ચૂંટણીનું પરિણામ શું આવશે તેનું ટેન્શન છોડી ખેતીકામમા જોડાયા ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ
પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ બે વખત જૂની રાજગઢ વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા હોવા છતાં ખૂબ સાદું જીવન જીવે છે અને તેમની સાદગી મતદારોને પણ ઘણી પસંદ છે. સાદું જીવન ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર છે. પોતે ખેડૂત હોવા સાથે સાથે ભજનિક પણ છે અને ફાયરબ્રાન્ડ હિન્દુત્વવાદી નેતાની છબી ધરાવે છે. સવારે વહેલા ઉઠી નિત્ય ક્રમ મુજબ સૂર્યનારાયણની આરાધના સાથે દિનચર્યાની શરૂઆત અને બાદમાં પૂજા તેમનો નિત્ય ક્રમ છે.
સવારે થોડો સમય પરિવાર સાથે વિતાવી દરરોજ સવારે મળવા આવેલા પોતાના મત વિસ્તારના લોકોને સાંભળે છે. ત્યાર બાદ પોતાના ખેતરમાં જઈ ખેતીના કામે લાગી જાય છે. તેઓ જાતે જ ખેતી અને પશુપાલનનું કાર્ય પણ કરે છે. ફતેસિંહ ચૌહાણનું જીવન એટલી સાદગીથી ભરેલું છે કે આજના હાઈટેક યુગમાં પણ તેઓ સાદો જ મોબાઈલ વાપરે છે. તેમનું સોશિયલ મીડિયા તેમના દીકરાઓ સંભાળે છે.
ફતેસિંહ ભજનિક હોવાથી જ્યારે લાક્ષણિક પોતાની અદામાં અને સુંદર રાગ સાથે આજે પણ તેઓ ભજન લલકારે છે, ત્યારે બે ઘડી સાંભળવાનું મન થાય. વર્ષો પહેલા ફતેસિંહે પોતાના અવાજમાં ભજનનું આલ્બમ પણ બનાવ્યું હતું. પોતાના ધર્મગુરુ બાદ ફતેસિંહ રાજકીય રીતે નરેન્દ્ર મોદીને પોતાના ગુરુ માને છે અને નરેન્દ્ર મોદીએ ફતેસિંહને ‘ભગત’નું હુલામણું નામ આપ્યું છે.
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના આગલા દિવસે પણ પરિણામની ચિંતા વિના ફતેસિંહ પોતાના પરંપરાગત વ્યવસાય એટલે કે ખેતીના કામમાં લાગી ગયા છે. ફતેસિંહ જમીન સાથે જોડાયેલા નેતા છે. ટિકિટની જાહેરાત થઇ અને ભાજપે તેમને ઉમેદવાર જાહેર કર્યા તે વખતે પણ ફતેસિંહ પોતાના ખેતરમાં હતા અને તેમને ઘરના સભ્યો દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું છે. હાલ તેમના ઘરની સ્થિતિ પણ સામાન્ય ખેડૂત જેવી જ છે. ફતેસિંહની સાદગી અન્ય નેતાઓને પ્રેરણા પુરી પાડી શકે તેવી છે.
હાલ પરિણામ પહેલા ફતેસિંહ ચૌહાણે ઝી 24 કલાક સાથે વાત કરી ત્યારે પોતે 1 લાખ ઉપરાંત ની લીડ સાથે જીતી રહ્યા હોવાનો તેમજ ગુજરાતમાં જંગી બહુમતીથી ભાજપની સરકાર બની રહી હોવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.