ગુજરાતમાં અહીં આવ્યું છે ભૂતનું મંદિર, એક સમયે વૃક્ષ પર હતો બાબરા ભૂતનો વાસ
શ્રદ્ધા હોય ત્યા પુરાવાની જરૂર નથી. તેવી જ રીતે ગુજરાતના આ ભૂતના મંદિરને પણ પુરાવાની જરૂર નથી. આજે તે ભૂત મંદિર તરીકે આખા દેશમાં પ્રખ્યાત બની ગયું છે. અહી એક ભૂતની પૂજા થાય છે, જેનુ નામ છે બાબરા ભૂત. અરવલ્લી જિલ્લાના લીંભોઈ ગામે આ ભૂત મંદિર આવેલું છે.
સ્થાનિક લોકોએ આ મંદિર વિશે જણાવ્યું કે, અહી સાગના વૃક્ષ નીચે એક બાબરા ભૂતનું મંદિર બનાવવામાં આવ્યું છે. બાબરા ભૂત નું નાનું મંદિર બનાવી ખેડૂતોએ નિયમ કર્યો કે, આ વિસ્તારમાં જે કોઈ ખેતરમાં પાક થશે તે પાકમાંથી મુઠી ભર પાક બાબરાવીર ને ધરાવ્યા બાદ પાક ઘરે લઈ જવો. ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે. અત્યારે પણ ખેડૂતો પાકનો ભોગ મંદિરે ધરાવે છે.
બાબરાવીર ને પ્રસાદ અને નૈવેધ સ્વરૂપે સુખડી, શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે. દિવાળી અને નવરાત્રિના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા પણ થાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
એક સમય એવો હતો, જ્યાં અહી આવતા પણ લોકો ડરતા હતા. પરંતુ હવે તો અહી શ્રદ્ધાળુઓની સતત ભીડ રહે છે. લોકવાયકા છે કે, વર્ષો પહેલા અહી સાગના વૃક્ષ નીચે એક બાબરા નામના ભૂતનો વાસ હતો. લોકો અહીથી પસાર થતા પણ ડરતા હતા. તેથી અહી તેના નામનું મંદિર બનાવી દેવાયું, ત્યારથી અહી ભૂતનો ડર નથી રહ્યો.
આ વિશ્વનું એકમાત્ર એવુ ભૂત મંદિર છે, જ્યાં લોકોને જવાનો ડર નથી લાગતો. પરંતુ લોકો અહી વિવિધ માનતા પૂરી કરવા આવે છે, પોતાની ઈચ્છા પૂરી કરવા બાધા રાખે છે, અને બાદમાં તેને પૂરી કરવા આવે છે. આ રીતે એક ભૂત શ્રદ્ધાળુઓ માટે બાબરીયા વીર બની ગયો છે.