ગુજરાતીઓના દાઢે વળગેલા ખાજા કેવી રીતે બને છે જુઓ તો ખરા, મોંમા પાણી આવી જશે
સુરતી ખાજા ગુજરાતમાં સૌથી સ્વાદિષ્ટ ગણવામાં આવે છે અને ચોમાસાના પ્રારંભ સાથે સુરતીઓના જાણીતા અને માનીતા સ્વાદિષ્ટ સરસિયા ખાજાનું બજાર ધમધમવા માંડ્યું છે. સુરતમાં ભાગળ, ગોપીપુરા, ચૌટા સહિતના વિસ્તારોમાં આવેલી સરસિયા ખાજાનું વેચાણ કરતી દુકાનોમાં સુરતીઓ જોવા મળી રહ્યા છે. જો દરેક ક્ષેત્રમાં થયેલા ભાવ વધારાની જેમ જ ખાજાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.
મેંદો, સાકર (ખાંડ) અને સીંગતેલના ઉપયોગથી બનતા ખાજા લેબર કોસ્ટ અને તેલના ભાવવધારાને કારણે ગત વર્ષની સરખમણીમાં મોંઘા થયા છે. લીંબુ મરી ખાજા, મેંગો ખાજા, સ્વીટ ખાજા, ચોકલેટ ખાજા સહિતની વેરાઈટીઓ આ વખતે બજારમાં ઉપલબ્ધ છે. જો કે વર્ષોથી સરસિયા ખાજાની દેશ-વિદેશમાં બોલબાલા રહી છે. જેથી સીઝન શરૂ થતાં જ વિદેશ પણ પાર્સલ કરવામાં આવી રહ્યા છે. તેમજ કેટલાક એન.આર.આઈ. લોકો પોતાની સાથે પણ ખાજા વિદેશ લઈ જઇ રહ્યા છે.
ઉલ્લખનીય છે કે ઓરિસ્સાના પુરીના વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથની આ અતિપ્રિય મીઠાઈ છે. ખાજાને લઇને એક લોકવાયકા પણ છે. કહેવાય છે કે, ભગવાન જગન્નાથ એક ભક્તના સ્વપ્નમાં આવી પોતાની પ્રિય વાનગી કેમ બનાવવા તે સમજાવ્યું હતું અને બીજા દિવસે તેણે ભગવાને વર્ણવેલા ખાજા તૈયાર કરીને ધર્યા ત્યારે પ્રભુએ તે સ્વીકારી લીધા હતા.
આજે સરસિયા ખાજા માટે સુરતીઓનું પ્રિય સ્થળ બન્યું છે. આ વર્ષે સુરતી ખાજાની કિંમત પ્રતિકિલો રૂ. 440 એ તેમજ મોળા, મીઠા અને મેંગો ખાજાની રૂ.700 ની છે. અમેરિકા, કેનેડા, દુબઇ, લંડનમાં તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ ખાજાની માંગ હોવાથી એરટાઈટ કન્ટેનરમાં સુરતી ખાજાને પાર્સલ પણ કરાય છે. એર ટાઈટ કન્ટેનર માટે ખાસ સો રૂપિયા વધારે પેકિંગ ચાર્જ લેવામાં આવે છે આ પેકિંગ ના કારણે 30 દિવસ સુધી ખાજા ખાઈ શકાય તેવી સ્થિતિમાં હોય છે.