ગુજરાતમાં આવું પહેલીવાર બન્યું! એક સાથે 3 ખતરનાક સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ

Thu, 05 Sep 2024-1:41 pm,

ગુજરાતમાં વરસાદે ખમૈયા નથી કર્યા...વરસાદ ઓછો થયો છે પણ આજે પણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. હવે વારો ઉત્તર અને મધ્ય ગુજરાતનો છે. આજે મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં સવારે 6થી 12 વાગ્યા સુધી 83 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગે પણ આગામી 4 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મોટાભાગના જિલ્લાઓ ઉત્તર ગુજરાતના છે. રાજ્યમાં સવારે 6થી 12 વાગ્યા સુધી 83 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. માણસામાં 3 ઈંચ, ડીસામાં અઢી ઈંચ વરસાદ તેમજ દાંતીવાડામાં અઢી ઈંચ, પ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદ વરસતાં બજારો પાણી પાણી થઈ ગયા છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સવા 3 ઇંચ વરસાદ દાંતીવાડામાં પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં બહુચરાજી અને વિસનગરમાં પોણો ઇંચ, જોટાણા અને મહેસાણામાં અડધો ઇંચ, કડીમાં 8 મીમી, ઊંઝામાં 6 મીમી, વડનગરમાં 5 મીમી નોંધાયો હતો.  

હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે, ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ગત સપ્તાહ દરમિયાન વરસેલા મુશળધાર વરસાદને પરિણામે મોસમનો કુલ 35.53 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, શહેરની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં અત્યાર સુધીમાં પૂરતો વરસાદ વરસ્યો છે. હજુ ચોમાસું બાકી છે અને હવે પછી શહેરમાં જો વરસાદ પડશે તો તે બોનસ ગણાશે.

શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 45.46 ઈંચ, વરસાદ વરસ્યો છે. પૂર્વ પટ્ટામાં નરોડામાં સૌથી વધુ 61.86 ઇંચ, મણિનગરમાં 48.28, ઓઢવમાં 44.68 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે પશ્ચિમમાં ગોતામાં સરેરાશથી વધુ 39.36 વરસાદ નોંધાયો છે. પૂર્વ અમદાવાદમાં સરેરાશ 37.83 ઇંચ વરસાદ વરસ્યો છે. આમ, સિઝનની જરૂરિયાત કરતા 2.83 ઇંચ એટલેકે 8 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 

અમદાવાદ પશ્ચિમમાં હજુ પણ 1.76 ઇંચ કે અંદાજે 5 ટકાની ઘટ છે. અમદાવાદને ચોમાસામાં સરેરાશ 35 ઇંચ વરસાદની જરૂર હોય છે. મંગળવારે સિઝનનો આ ક્વોટા પૂરો થઈ ગયો હતો. આમ, હવે જે વરસાદ પડે તે બોનસ ગણાશે.ગુજરાતમાં સૌથી વધારે વરસાદ એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર , કચ્છમાં પડ્યો છે. કેટલાક જિલ્લાઓ તો એવા છે જ્યાં 10 વર્ષમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. આ વર્ષે ડીપ ડીપ્રેશને ગુજરાતમાં ભુક્કા બોલાવ્યા છે. ગુજરાતને આ વરસાદી નુક્સાનથી આજે પણ કળ વળી શકી નથી. 

ઉત્તર ગુજરાતના ડીસાના બાઈવાડા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈના ગામમાં જ પાણી ફરી વળ્યા છે. જ્યાં યોગ્ય નિકાલની વ્યવસ્થા નહિં હોવાથી લોકોસવારથી જ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. દર વર્ષે વરસાદમાં બાઈવાડાની પરિસ્થિતિ કફોડી બને છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે. પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ સિવાય ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદ સહિત અનેક પંથકોમાં વરસાદ પડ્યો છે. 

વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. અહીં ઘણા સમય બાદ વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ધાનેરાના વલાણી બાગ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. વલાણી બાગ વિસ્તારમાં અનેક પોશ સોસાયટીઓ આવેલી છે. ધાનેરામાં એક ઈચ વરસાદમાં રસ્તાઓમાં નદીઓમાં ફેરવાયા છે. વરસાદ છેલ્લા એક કલાકથી પડી રહ્યો છે. ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર વરસાદી પાણી ભરાતા સર્વિસ રોડ પરના દુકાનદારોને મુશ્કેલી પડી રહી છે. અનેકવાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી છતાં કોઈ જ પરિણામ ન મળતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે.  

પાલનપુરમાં મફતપુરાના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરો સુધી વરસાદી પાણી પહોંચ્યા છે. 1.5 ઇંચ જેટલા વરસાદમાં વિસ્તાર શહેરના અનેક રસ્તાઓ પાણી પાણી થતા પાલિકાની પ્રીમોનસુનની પોલ ખૂલી ગઈ છે. મહેસાણા જિલ્લામાં ગઈકાલ રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણી ભરાતાં મહેસાણામાં મોઢેરા ચોકડીથી લઈને રાધનપુર ચાર રસ્તા પર વાહનચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. વિસનગર અને ગોઝારિયા અને વિજાપુરમાં પાણી ભરાવાની અનેક બુમરાણો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link