ગુજરાતી હોવાનું ગૌરવ લો છો, તો વિદેશ ફરતા પહેલા આ ચાર હેરિટેજ સાઈટની અચૂક મુલાકાત લો
આજે આપણે સ્માર્ટ સીટી કે શહેરીકરણમાં પશ્ચિમી દેશો વિશે વાત કરીએ છીએ. પણ, સિંધુ નદીના કાંઠે વસેલું ધોળાવીરા આપણને 4500 વર્ષ પૂર્વેની મોડર્ન ટાઉનશીપ વિશે જાણકારી આપે છે. પશ્ચિમી સરહદે ગુજરાતના કચ્છ (Kutch) જિલ્લામાં ઈન્ડો પાક બોર્ડર નજીક વિશ્વની માનવ સભ્યતાની 4500 વર્ષ જૂની ધરોહર સાચવી બેઠું છે ધોળાવીરા નગર (dholavira). ઇ.સ. 1989માં અહીં ઉત્ખનન કાર્ય શરુ થયું. આર્કિયોલોજી કચેરીના ડાયરેકટર આર.એન. બિસ્ટ 1989થી 2006 સુધી 17 વર્ષ ચાલેલા ઉત્ખનન કાર્ય દરમિયાન ધૂણી ધખાવી ૧૭ વર્ષ અહીં રહ્યા. તે સિંધુ સભ્યતાની ચડતી પડતીનું સાક્ષી રહ્યું છે. ખોદકામ દરમિયાન અહીં મળેલા પુરાવાઓ ઘણી બધી માહિતી આપે છે. દુનિયાનું સૌથી જૂનું સ્ટેડિયમ, ન્હાવા માટે સ્નાનાગાર, પાણી અને ગટરનું ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન, શહેરની અંદર બહાર જળસંગ્રહ માટે તળાવ, શહેરની બહાર કિલ્લો, અંદર અન્ય કિલ્લાઓ, રાજાના મહેલનો કિલ્લો, શહેરમાં પ્રવેશ માટે પ્રવેશદ્વાર, સંગીતના સાધનોના અવશેષો પણ ધોળાવીરામાંથી મળી આવ્યા છે.
અનેક ઇતિહાસ ધરાવતા અમદાવાદને ઐતિહાસિક સ્તરે વૈશ્વિક દરજ્જો મળ્યો છે. અમદાવાદને આખરે વર્લ્ડ હેરિટેજ સિટી (Ahmedabad heritage city) જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છેકે, આ માટે AMC એ યુનેસ્કોમાં ખાસ ડોઝિયર મોકલ્યું હતું. 606 થી વધુ વર્ષ જૂના અમદાવાદ શહેર માટે આ હૅરિટેજ સિટી સ્ટૅટસ મેળવવું એક ઉપલબ્ધિ છે. ઉપરાંત, અમદાવાદનાં સ્થાપત્યોમાં જોવા મળતી ભાત આખા ભારતમાં જુદી છે. અહીંના સ્થાપત્યોમાં જૈન, હિંદુ અને ઇસ્લામિક સંસ્કૃતિનો સુમેળ જોવા મળે છે. આ પ્રકારનાં સ્થાપત્યો આખા ભારતમાં ક્યાંય જોવા મળતા નથી.
દોહા-કતારમાં મળેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિના ૩૮માં સત્રમાં ગુજરાતની આ રાણ ની વાવ (rani ki vav) નો વિશ્વ વિરાસતમા સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરસ્વતી નદીના તટ પાસે સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ સરોવર બનાવ્યું હતું. આજે તેના ખંડિત ભાગો જ જોવા મળે છે. તેની સમીપમાં આ વાવ આવેલી છે. અદભૂત શિલ્પ સ્થાપત્યોથી મઢેલી વાવ ધરતી તળે ધરબાયેલી હતી. પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા સફળ રીતે ઉત્ખનન કરીને તેને ખૂલ્લી કરવામાં આવી હતી.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે 3 જુલાઈ, 2004ના રોજ ગુજરાતના ચાંપાનેર (champaner heritage) અને પાવાગઢ (pavagadh) ને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજ્જો બક્ષી ગુજરાતના ઐૈતિહાસિક અને સાંસ્ક્રૃતિક વારસાને બહુમાન બક્ષ્યું છે. ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે, જ્યાંથી આશરે 5 કિલોમીટરના અંતરે માચી ગામ આવેલું છે, જે ઐતિહાસિક ગામ છે. ચાંપાનેર ગુજરાતનાં સુલતાન મહમદ બેગડાની રાજધાની હતી. પવિત્ર યાત્રાધામ પાવાગઢ અહીંથી ખુબજ નજીક છે. અહી ઐતિહાસિક કિલ્લો છે. જેમાં મોતી મસ્જિદ, જામા મસ્જિદ આવેલી છે.