રેમડેસિવિરના સળગતા મુદ્દા પર હાઈકોર્ટે ગુજરાત સરકારને શું નિર્દેશ આપ્યો, જાણો
એસવીવી હોસ્પિટલ (Svp) સામે હાઈકોર્ટે લાલ આંખ કરતા કહ્યુ કે, Svp હોસ્પિટલમાં રેમડેસિવિર (remdesivir) નો સ્ટોક હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં ઇન્જેકશન પહોંચતા નથી. Svp માં ઇન્જેકશનના સ્ટોક અંગે સરકાર તપાસ કરે. સાથે જ હાઈકોર્ટે કહ્યુ કે, ગ્રામ્ય વિસ્તારોમાં રેમડેસિવિર અને ટોસિલિઝુબેમ મળે છે કે નહિ તે અંગે સરકાર ધ્યાન આપે. તાલુકામાં કોરોના અંગે કોર કમિટી બનાવી મેડિકલ સુવિધાઓ પૂરી પાડો. 108માં આવતા ક્રિટીકલ દર્દીઓની વિગત સરકાર ધ્યાન રાખે.
ગુજરાત હાઇકોર્ટે આકરા તેવર બતાવીને રાજ્ય સરકારને મહત્વના નિર્દેશ આપતા કહ્યુ કે, રેમડેસિવિરના વિતરણ બાબતે રાજ્ય સરકાર પોતે જરૂરી નિતિ વિષયક નિર્ણય લે. રેમડેસિવિર ઇન્જેકશનનું વિતરણ મ્યુ. કમિશ્રર કે જિલ્લા કલેકટરોની જવાબદારી ઉભી કરીને સોંપવી જોઇએ નહિ. આરોગ્ય વિભાગના અગ્રસચિવ તમામ જરુરી લોકો સાથે અરજન્ટ મિટિંગ બોલાવી અને આ પ્રશ્નના નિરાકરણ માટે કાર્યવાહી કરે.
દર્દીઓને એક હોસ્પિટલમાંથી બીજા હોસ્પિટલમાં લઇ જવા 108ને પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ મુદ્દે કહ્યુ કે, 108 હોસ્પિટલમાં દર્દીને ઉતાર્યા બાદ અન્ય જગ્યા પર લઇ જતા નથી તેવું હવે નહિ ચાલે.
કોરોના વાયરસ સંક્રમણના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો કે, ક્રિટીકલ પેશન્ટ્સ માટે 108ની ઉપલબ્ધતા પહેલા કરાવવામાં આવે. જેનો કોલ પહેલો આવ્યો તેને એમ્બ્યુલન્સ પહેલા લેવા જશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવો. એમ્બ્યુલન્સ સેવા કરતા આવેલા કોલમાં ક્રિટીકલ પેશન્ટ કોણ છે તેના ત્યાં એમ્બ્યુલન્સ પહેલી પહોંચે તે જરૂરી છે.
સાથે જ રાજ્યમાં રેપિડ કરતા rtpcr ના ટેસ્ટિંગ પર ભાર મૂકવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ઓક્સિજન સહિત કોવિડમાં વપરાતી દવાઓના ભાવમાં ઘટાડો કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આઈસીયુ (icu), વેન્ટિલેટર સહીતની સુવિધાઓ પર ભાર મૂકવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.