Photos: શું તમે ગુજરાતનું આ ગજબનું `ઊંધુ મંદિર` જોયું છે? દેશ વિદેશથી આવે છે જોવા લોકો, ફટાફટ વિગતો જાણો

Sun, 20 Oct 2024-4:37 pm,

આપણું ગુજરાત અનેક ઐતિહાસિક સ્થળો અને પર્યટન સ્થળોથી ભરેલું છે. અહીં તમને એક એકથી ચડિયાતા સ્થળો જોવા મળે. ઐતિહાસિક વારસાની રીતે ગુજરાત ખુબ સમૃદ્ધ છે. જેમાં પુરાતત્વીય સ્થળ લોથલ, રાણકી વાવ, ધોળાવીરા, ચાંપાનેર પાવાગઢ, વડનગરનું તોરણ સ્થાપત્ય વગેરે અનેક સ્થળો સામેલ છે. પરંતુ એક ઐતિહાસિક સ્થાપત્ય એવું છે જેની વાસ્તુકળા પર નજર ફેરવો તો તે તમને ઊંધા મંદિર જેવી લાગે. નવાઈ લાગી ને? ચાલો જાણીએ આપણા ગુજરાતના આ ઐતિહાસિક સ્થળ વિશે... (તસવીર- patan.nic.in)

ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં એક ઐતિહાસિક વાવ આવેલી છે જેનું નામ છે રાણકી વાવ કે રાણી કી વાવ. આ વાવ એ પાટણ શહેરની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની આન બાન અને શાન છે. જેને જોવા માટે દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ વાવ 1063માં રાણી ઉદયમતીએ પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. આ વાવનું નિર્માણ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવાના હેતુથી પણ બંધાવી હતી. જો કે સદીઓ પહેલા સરસ્વતી નદીમાં આવેલા પૂરથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ અને પછી છેક 20મી સદી સુધી લોકોથી સંતાયેલી રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા માટે પુરાતત્વ વિભાગે 1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી અને વર્ષો બાદ વાવ પોતાના મૂળ સ્વરૂપમાં આવી હતી.   

એવું માનવામાં આવે છે કે લગભગ 5 દાયકા પહેલા વાવમાં ઔષધિય ગુણ ધરાવતા છોડ અને સંગ્રહીત પાણીનો ઉપયોગ વાયરલ તાવ અને અન્ય બીમારીઓને ઠીક કરવામાં થતો હતો. 

યુનેસ્કોએ વર્ષ 2014માં રાણકી વાવને વર્લ્ડ  હેરિટેજ સાઈટનો દરજ્જો આપીને તેનું મહત્વ અનેકગણું વધારી દીધુ. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા પણ તેને આ કેટેગરીનો દરજ્જો મળેલો છે. અત્રે જણાવવાનું કે આ વાવનું શિલ્પ સ્થાપત્ય એવું છે કે તેને વાવોની રાણી બનાવે છે. 

વાવની મુખ્ય થીમ જોઈએ જો ભગવાન વિષ્ણુના દશાવતારની છે. રાણકી વાવ 64 મીટર  લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. આ વાવ સાત માળ જેટલી ઊંડી છે. સાત ઝરૂખાઓમાં લગભગ 800થી વધુ મૂર્તિઓ કોતરવામાં આવી છે. આ દિવાલો અને સ્તંભ પર ભગવાન વિષ્ણુની સુંદર નક્શીકામવાળી મૂર્તિ છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિત દશ અવતારો. આ અવસારો સાથે સાધુ, બ્રાહ્મણો અને અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચો તો શેષાષયી વિષ્ણુ ભગવાન કોતરેલા દેખાય. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડ્યા છે. એવું કહેવાય છે કે અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.   

રાણકી વાવને ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની 100 રૂપિયાની નોટ પાછળ દર્શાવેલી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link