કિસ્સો ગુજરાતના એ આંદોલનનો, જેમાં લોકોએ કૉંગ્રેસના આગેવાનોનાં ધોતિયાં ખેંચી લીધાં
નિર્વસ્ત્ર થઈ ગયેલા કૉંગ્રેસી નેતાઓને નજીકની દુકાનમાં લઈ જવામાં આવ્યા. કાપડની દુકાનમાંથી તાકા ફાડીને નેતાઓને શરીરે વીંટાળવા કાપડ આપવામાં આવ્યું અને પછી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. તેમાં બેસાડી કૉંગ્રેસના નેતાઓને લોકોના ટોળાંથી બચાવવા પોલીસ પ્રોટેક્શન હેઠળ ઘરે મોકલવામાં આવ્યા હતા.
મહાગુજરાતની લડત વખતે કૉંગ્રેસના સત્તાધીશો સામે ગુજરાતીઓનો પ્રચંડ વિરોધ ફાટી નીકળ્યો હતો. મોરારજી દેસાઈને કોઈએ કહ્યું કે, તમને સાંભળવા આવતા લોકોને રોકવામાં આવે છે. આ સાંભળીને કોંગ્રેસ હાઉસમાં ચાલતી બેઠકમાં મોરારજીભાઈએ એલાન કરી દીધું કે, જ્યાં સુધી અમદાવાદના લોકો મને સાંભળશે નહીં ત્યાં સુધી હું ઉપવાસ કરીશ. પછી ઢેબરભાઈએ મોરારજી દેસાઈને ખાતરી આપી કે, તેઓ પ્રજાને સમજાવવાનો પ્રયાસ કરશે. ઠાકોરભાઈ દેસાઈએ પણ શહેરીજનોને શાંતિ જાળવવા અપીલ કરી.
ઘણી રાજકીય ગડમથલ પછી જાહેરાત થઈ કે, 26 ઓગસ્ટ 1956 ના દિવસે મોરારજી દેસાઈ પારણાં કરશે અને જાહેર સભાને સંબોધશે. આખરે સભા શરૂ થઈ. ત્યાં પોલીસને સૂચના હતી કે પોલીસે કંઈ કરવું નહીં. સભા શરૂ થાય તે પહેલાં જ કેટલાક ઉશ્કેરાયેલા યુવાનો આવ્યા. તેમણે લાઉડ સ્પીકર તોડી નાખ્યાં. પથ્થરમારો શરૂ થયો. સામ સામે પથ્થર ફેંકાયા. ટોળું વિખેરવા પોલીસે ટિયરગેસ છોડ્યો. જેમાં એકનું મોત થઈ ગયું અને 126 થી વધુને ઈજાઓ થઈ. શરૂઆતમાં થોડા લોકો હતા પણ સભા શરૂ થતાં જ પોલીસ અને ટોળા વચ્ચે સામસામે પથ્થરમારો થયો અને આવી હાલતમાં પણ મોરારજી દેસાઈએ 38 મિનિટ ભાષણ કર્યું. ભાષણ બાદ ઉપવાસ છોડીને પારણાં કર્યા. સભામાં તોફાન કરવા મટે પોલીસે 75 લોકોને પકડીને જેલમાં મોકલ્યા હતા.
મહાગુજરાત આંદોલનના આવા ઘણા કિસ્સા પદ્મશ્રી દેવેન્દ્ર પટેલના પુસ્તક ગુજરાતની અસ્મિતામાં વિસ્તૃતમાં વર્ણવાયેલા છે.
અમદાવાદમાં મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ. કેન્દ્ર સરકારે ગુજરાત અને મહારાષ્ટ્રનું સંયુક્ત દ્વિભાષી રાજ્ય બનાવવાની જાહેરાત કરતાં અમદાવાદમાં તેનો પ્રચંડ વિરોધ થયો હતો. મોરારજી દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, જમનાશંકર પંડ્યા જેવા કૉંગ્રેસી નેતાઓ દ્વિભાષી રાજ્યના આગ્રહી અને મહાગુજરાત આંદોલનના સખત વિરોધી હતા.