આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા! પણ આ મહિનામાં છે સૌથી મોટો ખતરો, અંબાલાલ પટેલની ઘાતક આગાહી
હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવન ફૂંકાઇ રહ્યા છે. લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ તાપમાનનો ટ્રેન્ડ વધવા તરફ આગળ જવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે.
તો તેમણે આગળ કહ્યું કે, મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. જો કે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેશે. અન નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું જવાની ધારણા છે.
તો આ ફેબ્રુઆરીનો મહિનો કેરીના પાક માટે નુકશાનકારક હોવાનું આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે. તેમણે કહ્યું કે, સૂર્યનું રાશિ બ્રહ્મણ કુંભ રાશિમાં સાયન મીન રાશિમાં અને ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોતા માર્ચની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે. જેના કારણે આંબાના મોર ખરી પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h ની રહી શકે છે. જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા છે. ઉભા કૃષિ પાકો વળી જવાની શક્યતા છે. આવામાં ખેડૂતોએ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે.
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે.
અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાતે અને વહેલી સવારે લોકો ઠુઠવાઈ રહ્યાં છે.