Gujarat Unique Temple : ગુજરાતના આ મંદિરમાં ન તો ભગવાન છે, ન તો કોઈ મૂર્તિ, છતા શ્રદ્ધાથી રોજ ચઢે પાણીની બોટલ
ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે આ મંદિર પોતાની અલગ અલગ માન્યતા અને ખાસિયતોના કારણે વખણાય છે. સામાન્ય રીતે કોઈપણ મંદિરે ભગવાનને પ્રસાદમાં કે માનતા પુરી થયા બાદ મીઠાઈ, પેંડા, લાડુ જેવી વસ્તુઓ ચઢે છે.
પરંતુ ગુજરાતમાં જ એક એવું મંદિર આવેલું છે જ્યાં માનતા પુરી થયા બાદ ભક્તો પાણીની બોટલો અને પાઉચ ચઢાવે છે. જી હા જાણીને નવાઈ લાગશે પરંતુ આવું એક મંદિર આવેલું છે ચાણસ્મા નજીક.
આ મંદિર આવેલું છે મોઢેરા થી ચાણસ્મા જતા રોડની નજીક એક નાનકડી ડેરી સ્વરૂપે. અહિ લોકો આસ્થા સાથે મોથુ ટેકવે છે તો તેની સાથો સાથ આ ડેરી પર પાણીના પાઉચ અને બોટલોનો ઢગલો થયેલો હંમેશા જોવા મળે છે.
કારણ કે અહીં લોકો પાણી ભેટ તરીકે ચઢાવે છે. રાજ્યમાં આવેલું આ એક માત્ર મંદિર છે જ્યાં પાણી ચઢાવવાથી લોકોની માનતાઓ પુરી થાય છે ત્યારે પ્રશ્ન પણ ચોક્કસથી થાય કે આખરે આવું શા માટે કરવામાં આવે છે . તેની પાછળ પણ એક રોચક કથા છે.
વાસ્તવમાં આ મંદિર જ્યાં બન્યું છે ત્યાં એક મોટી દુર્ઘટના બની હતી. 21 મે 2013ના રોજ ઓટો રિક્ષા અને કાર વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. આ ઓટોમાં બે બાળકો પણ હતા. બાળકોને ખૂબ તરસ લાગી હતી, તેઓ વટેમાર્ગુઓ પાસે પાણી માંગી રહ્યા હતા, પરંતુ પાણી ન હતું, જેના કારણે બાળકો તરસથી મૃત્યુ પામ્યા હતા. આ કારણ પછી અહીં સતત અકસ્માતો થવા લાગ્યા હતા.
જ્યારે લોકોને ખબર પડી કે અહીં બાળકોના તરસથી મૃત્યુ પામવાના કારણે અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકોએ બંને બાળકોને ભગવાન માનીને નાનું મંદિર બનાવ્યું. કહેવાય છે કે મંદિરના નિર્માણ બાદ મંદિરની આજુબાજુના કૂવાનું પાણી મીઠુ થઈ ગયું અને તમામ માર્ગ અકસ્માતો પણ બંધ થઈ ગયા. એવું માનવામાં આવે છે કે અહીં પ્રસાદ તરીકે જળ ચઢાવવાથી શરીરના અનેક રોગો દૂર થાય છે.
લોકો અહીં દૂર-દૂરથી પોતાની ઈચ્છા સાથે આવે છે અને ભગવાનને પાણીનો વાસણ અર્પણ કરીને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. મંદિરોમાં દરરોજ ભક્તોની ભીડ હોય છે જ્યાં તમને હજારો પાણીની બોટલો અને પાણીના પાઉચ આપવામાં આવે છે.
આ માન્યતાઓ અને લોકો સાથે થયેલી વાતચીતને આધારે ફક્ત માહિતી અપાઈ છે અમે આ ઘટનાની પુષ્ટી કરતા નથી....