દીવ-દમણ કેમ ના બન્યા ગુજરાતનો હિસ્સો? જાણો મહમદ બેગડા સાથે જોડાયેલાં છે તાર...
દીવ-દમણ ગુજરાતમાં ના ભળી શક્યા કેમ ના ભળી શક્યા એ સવાલ હંમેશા મનમાં આવે છે. હાલ સહેલાણીઓના અતિપ્રિય ગણાતા કેન્દ્રશાસિત પ્રદેશો દીવ-દમણ ત્યારે સીધી રીતે ગુજરાતમાં ના ભળી શક્યા. દમણ-દીવ કેન્દ્રશાસિત પ્રદેશ જ રહ્યા અને ગુજરાતનો હિસ્સો ન બની શક્યા. જેની પાછળ એથી વર્ષો અગાઉ ઘટેલી એક ઘટના હતી. આમ તો મહાભારતકાળમાં પણ દીવનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ મધ્યકાલીન યુગમાં બનેલી ઘટનાઓની દીવના વર્તમાન શાસન દરજ્જા પર સીધી જ અસર જોવા મળે છે.
15 ઑગસ્ટ 1947ના ભારત દેશ આઝાદ થયો. પરંતુ ગોવા, દમણ, દીવ અને દાદરા તથા નગરહવેલી ત્યારે ભારતનો ભાગ ન બન્યા. તેને લાંબો સમય લાગ્યો. તેના પાછળ પણ કેટલાંક કારણો હતા. કારણ કે ત્યાં પોર્ટુગીઝોનું શાસન હતું. આઝાદી પછીના પાંચેક વર્ષમાં જ દાદરા અને નગરહવેલી સ્વાયત્ત તો બની ગયાં હતાં, પરંતુ તે ભારતના ભાગરૂપ નહોતાં. વર્ષ 1987માં ગોવાને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો મળી ગયો.
અયાઝ મલિકે ગુજરાતના વેપારીઓને પોર્ટુગીઝોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. જેને કારણે તેને દરિયાનો દિલેર કહેવામાં આવે છે. 16મી સદી દરમિયાન દરિયાઈ વેપાર પર પોર્ટુગલની આણ વર્તાતી હતી. ફિરંગીઓ મધદરિયે મોટા-મોટા શાહસોદાગરોનો માલ લૂંટી લેતા અને જહાજો સળગાવી દેતા. એ અરસામાં અયાઝ મલિકનો જન્મ વર્તમાન સમયના જ્યૉર્જિયામાં થયો.
તુર્કોએ અયાઝને ગુલામ તરીકે પકડ્યો હતો તથા અન્ય દાસોની સાથે તેને પણ ગુજરાતના સુલતાન મહંમદ બેગડાના દરબારમાં રજૂ કરવામાં આવ્યો હતો. બાદશાહે તેને મુક્ત કરી દેવાના આદેશ આપ્યા. અયાઝ જેમ-જેમ મોટો થતો ગયો, તેમ-તેમ તેનામાં કુશળ વ્યૂહરચનાકાર તથા સમજદાર શાસક તરીકેના ગુણ ખીલવા લાગ્યા.
વર્ષ 1478માં મહમદ બેગડાએ દીવ બંદરના સુબેદાર તરીકે અયાઝ મલિકની નિમણૂક કરી અને સુલતાનના નૌકાધિપતિ બન્યા. મલિકે જૂનાગઢને બદલે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવા દીવને વહીવટનું કેન્દ્ર બનાવ્યું. અયાઝે ગુજરાતના દરિયાકિનારાને આરબોથી સુરક્ષિત બનાવ્યો અને વેપારીઓ નિર્ભય બનીને હિંદ મહાસાગર ખેડતા થયા.
અયાઝ મલિક નૌકાધ્યક્ષ હોવા ઉપરાંત રાજદ્વારી અને વેપારી પણ હતા. તેમના વ્યક્તિગત જહાજ દેશદેશાવરની સફરો ખેડતા. જે સમયમાં રાજાઓ અને સુલતાનો તેમની જમીની સેનાને સશક્ત બનાવવા માટે પ્રયાસરત હતા અને દેશ-વિદેશથી આધુનિક હથિયાર મંગાવતા, ત્યારે અયાઝે દરિયાને સલામત બનાવવા પર ધ્યાન આપ્યું હતું, આ માટે તેમણે પાણીકોઠાનું નિર્માણ કરાવડાવ્યું.
દીવના ઇતિહાસના અભ્યાસુ કહેવા પ્રમાણે, અયાઝ મલિકે દીવમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો, જેના કારણે આ બંદર પરથી વેપાર વધ્યો. તેણે પોર્ટુગીઝોથી દીવનો બચાવ કરવા માટે બે તોપ વિદેશથી મંગાવી તથા તેને ચલાવવા માટે તુર્કિસ્તાનથી નિષ્ણાતોને બોલાવ્યા.