ગુજરાતનો નંબર 1 પાડો! એક બંગલાની કિંમતમાં બોલી બોલાય તો પણ પશુપાલકને વેચવો નથી
બનાસકાંઠા જિલ્લોએ પશુપાલન અને ખેતી આધારિત જીલ્લો છે અનેક લોકો પશુપાલન રાખી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધોતા ગામ માં એક પશુપાલકે પોતાના ખેતરમાં એક મુરા નસલના નાગરાજ નામના નાના પાડાનો ઉછેર શરૂ કર્યો હતો. નાગપંચમીના દિવસે આ પાડાનો જન્મ થતા પશુપાલકે તેનું નામ નાગરાજ રાખ્યું છે. ત્યારે ધીરે ધીરે આ પાડાના ઉછેર કરતાં કરતાં અત્યારે આ પાડો ચાર વર્ષનો થયો છે.
નાગરાજ પાડાના ઉછેર કરતા પશુપાલક દિલીપસિંહનું કહેવું છે કે નાનપણથી જ બચ્ચાનો ઉછેર કરતો હતો અત્યારે તે ચાર વર્ષનો થયો છે. જ્યારથી નાનો હતો ત્યારથી તેને બે ટાઇમ સ્નાન કરાવવાનું તેલની માલિશ કરવાની અને પૌષ્ટીક ખોરાક આપવાનું ચાલુ હતું. દિવસમાં અત્યારે 15 કિલો પશુ દાણ, તેલ, ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે. તેને બે ટાઈમ ચોખ્ખા પાણીથી નવડાવવામાં આવે છે. તેલની માલિશ કરવામાં આવે છે. હાલ તેનું વજન 1000 કિલો જેટલું છે.
જોકે આ પાડાની કિંમત પુષ્કરના મેળામાં હરિયાણાના એક વેપારીએ એક કરોડ 25 લાખની આંકીને પશુપાલક પાસે પાડાની માંગણી કરી હતી પરંતુ પશુપાલકે પાડાને વેચવાની ના પાડી દીધી હતી. પશુપાલકનું કહેવું છે કે, સમગ્ર ભારતનો પશુઓનો પુષ્કરમાં મેળો ભરાય છે. ત્યારે અમે આ પાડાને લઈને મેળામાં ગયા હતા. જ્યાં દેશભરમાંથી 15 થી 16 જેટલા પાડા આવ્યા હતા. જે પાડાની કેટેગરીમાં આ મૂરા નસલનાં નાગરાજ પાડાએ સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને તેની એક કરોડ 25 લાખ જેટલી બોલી બોલાઈ હતી. જોકે અમે તેને વેચવા માટે નહોતા ગયા અમારે આ પાડાને અમારા ફાર્મ ઉપર રાખવો છે અને એના બ્રીડથી તૈયાર થતા અન્ય પશુઓ તૈયાર કરવા છે. ત્યારે એક પશુપાલકના શોખ અને તેની દિવસ રાતની મહેનતથી એક સવા કરોડનો પાડો પશુપાલકે ઉછેર્યો છે જેનું તેને ગર્વ થઈ રહ્યું છે.
રાજસ્થાનના પુષ્કરમાં ભારતનો સૌથી મોટો પશુ મેળો ભરાય છે અને એ પશુ મેળામાં ધોતા ગામના પશુપાલક પોતાના પાડો લઈને ગયા હતા અને ત્યાં પાડા ની એક કરોડ 25 લાખની બોલી બોલાઈ અને પાડો સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત થયો તેને લઈને આ પાડો જોવા માટે પણ હાલ અનેક લોકો આવી રહ્યા છે. અનેક પશુપાલકો પાડો જોવા માટે આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે પશુપાલક દિલીપભાઈએ આ પાડાને ઉછેરવામાં ખૂબ જ મહેનત કરી છે. આ પાડાએ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં જે નામ રોશન કર્યું છે તેનો અમને પણ ગર્વ છે અને અમે જોવા આવ્યા ત્યારે ખબર પડી કે ખરેખર આ પાડાને જોતા જ લાગ્યું કે આ પાડા નો ઉછેર કરવામાં પશુપાલકે ખૂબ મહેનત કરી છે અને જેના કારણે નંબર મેળવી શક્યો છે. જોકે હવે સ્થાનિકો કહી રહ્યા છે કે જો ગુજરાતનું પશુપાલન ખાતું અથવા તો બનાસ ડેરી આ પાડાનું બ્રિડનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો અનેક સારી નસલની વધુ દૂધ આપતી ભેંસો તૈયાર થઈ શકે છે.
જોકે મહત્વની વાત તો એ છે કે આ પાડો એકદમ શાંત સ્વભાવનો છે, ઘણીવાર જાનવરોથી લોકોને ડર લાગતો હોય છે. પરંતુ આ પાડા ને જોઈને કોઈ ગભરાતું નથી, તેની નજીક જઈને લોકો સેલ્ફી લે છે ફોટા પાડે છે, પરંતુ આ શાંત સ્વભાવનો પાડો કોઈને નુકસાન પહોંચાડતો નથી અને જેના કારણે લોકોને તેની પાસે જઈ સેલ્ફી લેવી ફોટા પડાવવા ગમે છે અને લોકો તેને જોઈને પણ આનંદ અનુભવી રહ્યા છે.