Ambalal Patel Rain Prediction: વરસાદ ગયો નથી, સપ્ટેમ્બરમાં 2 વરસાદી સિસ્ટમ ગુજરાતને બરાબર ધમરોળશે! અચાનક પલટાશે હવામાન

Thu, 31 Aug 2023-3:55 pm,

Ambalal Patel Gujarat Rain Prediction: જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા ગુજરાતમાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. આ સાથે જ જગતના તાત પણ ચિંતાતૂર થઈ ગયા છે. ઓગસ્ટમાં વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો હોય તેવું લાગ્યુ. પરંતુ સપ્ટેમ્બર મહિનો કોરો નહિ જાય. સપ્ટેમ્બર મહિનાની આગાહી આવી ગઈ છે. હવામાનશાસ્ત્રી અંબાલાલની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. બે સિસ્ટમ એવી બનશે જે ગુજરાતમાં સારો એવો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યાર પછી 10 સપ્ટેમ્બરની આજુબાજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે બંગાળના ઉપસાગર પર ગજબની ભારે સિસ્ટમ બની રહી છે. તારીખ 4થી 10 સપ્ટેમ્બર દરમિયાન આ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે સપ્ટેમ્બરમાં 4થી 6- 7 સપ્ટેમ્બર દરમિયાન દેશના અન્ય ભાગો જેમ કે ઓરિસા, ઝારખંડ સહિત પૂર્વ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂરની પણ શક્યતા હોવાની આગાહી કરાઈ છે. 

અંબાલાલ પટેલના કહેવા મુજબ આ સિસ્ટમના કારણે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ હવામાનમાં પલટો આવી શકે છે. આમ સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યારબાદ 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે.   

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના કહેવા મુજબ અરબ સાગર ઉપર પણ એક સિસ્ટમ બની રહી છે. તેમના કહેવા મુજબ અરબ સાગર પર સપ્ટેમ્બરમાં 10થી 14 તારીખમાં એક સિસ્ટમ બની રહી છે .આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.    

ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પંચમહાલ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. તેમના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધી શકે છે. તેમના કહેવા મુજબ આ વરસાદનું વહન ઘણું સારું રહેશે. તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે દેશના પૂર્વના ભાગોની ખબર લઈ નાખે તેવું બની શકે છે. 

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વરસાદ ગયો નથી, વરસાદ આવશે. ચોમાસું મોડું પડ્યું છે. અત્રે જણાવવાનું કે રાજ્યના ખેડૂતો વરસાદ ખેંચાઈ જતા ચિંતાતૂર થયા છે. ત્યારે તેમને કદાચ આ આગાહી મનને થોડી શાંતિ આપે તેવી બની શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link