Photos: ગુજરાતના આ ગામમાં કોઈ ગાળ બોલતું નથી, ગુનો કરતું નથી! કળિયુગમાં `રામ રાજ્ય` જેવી ફિલિંગ...સમૃદ્ધિ તો જબરદસ્ત
હવે આ ગામ ગુજરાતમાં ક્યાં આવ્યું છે એ પણ તમને જણાવી દઈએ. રાજકોટ જિલ્લામાં આ ગામ આવેલું છે. આ ગામ રાજકોટથી આશરે 22 કિમીના અંતરે આવેલું છે. ગામમાં પાયાની સુવિધાઓનું સ્તર ખુબ સારું છે. લગભગ કોઈ ગરીબ નથી. અરે અહીં સમૃદ્ધિ એટલી છલોછલ છે કે વિદેશને ટક્કર મારે છે. એવું કહેવું અતિશયોક્તિ નહીં રહે કે આ ગામમાં સાચા અર્થમાં રામરાજ છે. નવાઈની વાત એ છે કે આ ગામમાં અત્યાર સુધી ક્યારેય પોલીસ આવી નથી કે ન તો કોઈ પીડિત છે. અહીં ગલીએ ગલીએ સમૃદ્ધ રામરાજની કલ્પના સાકાર થતી તમને જોવા મળે. આ ગામડાએ અનેક પુરસ્કાર પણ જીતેલા છે.
રાજકોટ નજીક આવેલું આ ગામડું સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરા અને વાઈફાઈથી સજ્જ છે. ગામના મુખ્ય રસ્તાઓ સીમેન્ટથી બનેલા છે. ક્યાંય પણ તમને ખુલ્લા નાળા જોવા મળશે નહીં. આખા ગામમાં અન્ડરગ્રાઉન્ડ વોટર ડ્રેનેજ સિસ્ટમ છે. સોલર સ્ટ્રીટ લાઈટો છે. ગામડામાં લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે તેના માટે સારી સુવિધાઓ છે. આંગણવાડી કેન્દ્ર પણ ખુબ સારું છે. પ્રાથમિક અને એક માધ્યમિક શાળા પણ છે. પોસ્ટ ઓફિસ છે. ગામમાં સારવાર માટે પીએચસી સેન્ટર છે. આ ગામમાં આશરે 300 ઘર છે અને 100 જેટલી કારો છે. એટલે કે દર ત્રીજા ઘરે કાર છે. મીડિયા રિપોર્ટ મુજબ ગામની ગ્રામ પંચાયતની ફિક્સ ડિપોઝિટ બે કરોડ રૂપિયા જેટલી છે. આ ગામનું નામ રાજ સમઢિયાળા છે.
આ ગામડાને બેસ્ટ સરપંચ એવોર્ડ (જિલ્લા કક્ષાનો), બેસ્ટ ખેડૂત એવોર્ડ (રાજ્યકક્ષાનો), નિર્મલ ગામ એવોર્ડ, તીર્થગ્રામ એવોર્ડ, સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ, શ્રેષ્ઠ ગ્રામપંચાયત એવોર્ડ (જીલ્લાકક્ષાનો ), સ્વચ્છતા માટે સ્વર્ણિમ ગ્રામ એવોર્ડ, રાષ્ટ્રીય સ્તરનો વિલેજ ડેવલોપમેન્ટ એવોર્ડ જેવા એવોર્ડ મળેલા છે.
તમને નવાઈ લાગશે કારણ કે આ ગામમાં છેલ્લા 30 વર્ષમાં કોઈ ગુનો નોંધાયો નથી. અહીં ક્યારેય પોલીસની જીપ આવી નથી. ગામના લોકો અને પંચાયત દ્વારા નક્કી નિયમો જ આ ગામના કાયદા ગણાય છે. અહીંની લોક અદાલત જ ગ્રામીણો માટે સુપ્રીમ છે. સ્થાનિકો ક્યારેય કોર્ટના પગથિયા ચડ્યા હોય તેવું સામે આવ્યું નથી કારણ કે અહીંની લોક અદાલત અને ગ્રામ પંચાયતની કમિટી જ ન્યાય કરતી હોય છે.
આ ગામ વર્ષોથી પ્લાસ્ટિક અને વ્યસનમુક્ત છે. મીડિયા રિપોર્ટ મુજબ ગામમાં કોઈ પણ વ્યક્તિ જાહેર સ્થળે કચરો ફેંકતા નથી. જો કોઈ ફેંકે તો તેણે 51 રૂપિયાનો દંડ ભરવો પડે છે. કોઈ પણ વ્યક્તિ અપશબ્દ કે ગાળ બોલતા નથી. કોઈને નશો કરવાની પણ મંજૂરી નથી.. ગામમાં ગુટખા કે તમાકુનું વેચાણ થતું નથી. જે વ્યક્તિ આ નિયમોનો ભંગ કરે તેણે 51 રૂપિયાનો દંડ ભરવો પડે.
રાજ સમઢિયાળામાં લોકો પોતાની મરજીથી ઝાડની ડાળી પણ કાપી શકતા નથી. અહીં ઝાડ કે તેની ડાળી કાપવી પણ ગુનો ગણાય છે. આ ગામ વર્ષોથી પ્લાસ્ટિક મુક્ત છે. અહીં કોઈ વ્યક્તિ કોઈ સામાન ખરીદે તો પેકેટ પર તે વ્યક્તિનું નામ લખી દેવાય છે. જેનાથી જો આ પ્લાસ્ટિક ગમે ત્યાં ફેકવામાં આવે તો ખબર પડી જાય. નશેડીઓ કે આમતેમ ગંદકી ફેલાવનારાઓને દંડ ભરવો પડે.
આ ગામમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી કરાવવાની જરૂર પડી નથી. ગામમાં લોકો પરસ્પર સહમતિથી જ ગ્રામ પંચાયતની બોડી નક્કી કરે અને મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયતનું સંચાલન થતું હોય છે. એવું પણ નથી કે આ ગામના લોકો હંમેશા ચૂંટણી પ્રક્રિયાથી અલગ રહે છે. ગામમાં જ્યારે પણ વિધાનસભા કે લોકસભા ચૂંટણી થાય તો અહીંના લોકો મતદાન પ્રત્યે જાગૃતતા દાખવે છે. જ્યાં રાજ્યવ્યાપી મતદાનની ટકાવારી 60 ટકાની આસપાસ રહેતી હોય ત્યાં રાજ સમઢિયાળામાં આશરે 96 ટકા રહે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)