ગુજરાતના નવા પિકનિક સ્પોટ પર તમે ફર્યા કે નહિ : અહી આવીને કાશ્મીર પણ તમને ફિક્કુ લાગશે

Sun, 21 May 2023-4:53 pm,

પહાડોની વચ્ચે જોવા મળી રહેલ આ કુદરતી સૌંદર્ય સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જંગલ વિસ્તારમાં આવેલ  છે. ગુજરાતને અડીને આવેલ દાદરા નગર હવેલીના જંગલ વિસ્તાર પ્રવાસન માટે મોકાની જગ્યા છે. પાટનગર સેલવાસથી ચાલીસ કિલોમીટર દૂર આવેલ દૂધની પર્યટકો માટે સ્વર્ગ સમાન છે. શહેરોમાં  કોંક્રિટના જંગલમાં રહેતા લોકો અસલી જંગલમાં આવીને ભાવવિભોર બની જાય છે. એક તરફ દમણ ગંગા નદીનો ભવ્ય નજારો અને બીજી તરફ ડુંગરાળ વિસ્તાર પ્રવાસન માટે મોકાની જગ્યા બની ગયું છે. 

રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આથી લોકો ઠંડા અને હવા ખાવાના સ્થળો પર વેકેશનની મજા માણવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત મહારાષ્ટ્રના  લોકો માટે ફરવા માટે દાદરા નગર હવેલીનું દૂધની ખૂબ માફક આવી રહ્યું છે. સુરતથી 150 કિલોમીટર દૂર આવેલ દાદરા નગર હવેલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દૂધની જળાશયમાં હાલે 160 થી વધારે  રંગબેરંગી શિકારા બોટ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે.

દાદરા નગર હવેલીમાં આવેલ જંગલો, નદી નાળા અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ત્યારે સૌથી વધુ રળિયામણું સ્થળ દૂધની માનવામાં આવી રહ્યું છે. દમણ ગંગા નદી કિનારે આવેલ દૂધની ગામનો પ્રવાસન તરીકે વિકાસ થયો છે. અહીંયા મોટા પ્રમાણમાં રગબેરંગી બોટીંગની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. 

અહીં આવતા પ્રવાસીઓ નદી કિનારે એક દિવસીય પિકનિકનો આનંદ માણે છે. એમાંય અત્યારે તો દમણગંગા નદીના શાંત અને શીતળ જળમાં નૌકા વિહારનો આનંદ પ્રવાસીઓ માટે એક યાદગાર સંભારણું બની જાય છે. એમાંય અત્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. એટલે લોકો રાહત મેળવવા ઠંડા અને હવા ખાવાના સ્થળ પર ધસારો વધી રહ્યો છે. 

લોકો જંગલમાં પ્રવાસન માટે ઉમટી રહ્યા છે. આથી દૂધની અને અહીંના જંગલ વિસ્તાર પ્રવાસીઓ માટે ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. દરેક ઉમરના લોકો અહી આવી રહ્યા છે. એમાંય  કાશમીરના ડાલ ઝીલમાં જોવા મળતી શિકારાઓ જેવી જ બોટ દૂધની જળાશયનું ખાસ આકર્ષણ છે. હાલ ફૂલ ગુલાબી ઠંડકમાં  પહાડો વચ્ચે દૂધની જળાશયમાં  બોટિંગની મજા માણતા લોકો કાશ્મીર જેવા સ્વર્ગનો અનુભવ માણી રહ્યાં છે.

દાદરા નગર હવેલીના અંતરીયાળ વિસ્તારમાં આવેલ દૂધની અને તેની આસપાસના વિસ્તારમાં અગાઉ રોજગારી એક મોટો પ્રશ્ર્ન હતો. જોકે છેલ્લા એક દશકથી સ્થાનિક લોકોએ દમણગંગા નદીમાં બોટિંગની શરૂઆત કરતા રોજગારી માટે હિજરત કરતા આદિવાસી લોકોને હવે માદરે વતનમાં જ રોજગારી મળી રહી છે. દૂધનીમાં શરૂ થયેલ વોટર ટુરિઝમના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. સાથે હવે હોટેલ ઉદ્યોગ પણ વિકાસ પામી રહ્યો છે.  

દમણ ગંગા નદી પર બાંધવામાં આવેલ મધુબન ડેમના કારણે દૂધનીમાં બારેમાસ પાણી સચવાઇ રહે છે. જ્યાં એક સમયે રોજગારીની મોટી સમસ્યા હતી. તેવા આ દૂધની વિસ્તારમાં સ્થાનિક લોકોને બોટિંગ થકી મોટી રોજગારી મળી રહી છે. તેમજ આજુબાજુ વિસ્તારમાં આવેલ નાની નાની દુકાનો અને ઢાબાઓમાં દ્વારા પણ સ્થાનિક લોકો રોજગારી મેળવી રહ્યા છે.

ત્યારે પ્રકૃતિના ખોળે આવતા કોંક્રિટના જંગલમાં રહેનાર શહેરી લોકો હકીકતના જંગલમાં આવી પ્રકૃતિ માણી રહ્યા છે. તો સાથે સાથે ઓછા ખર્ચે કાશ્મીરના શિકારાઓની મજા માણી મોજ કરી રહ્યાં છે અને ગરમીથી રાહત મેળવવા લોકો અહી આવી અને રાહત અનુભવી રહ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link