પ્રવાસ: રણ-દરિયો-કલા-ઈતિહાસ બધું જ ચાર દિવસમાં જોવું હોય તો પ્લાન કરો કચ્છની ટુર
કચ્છનો રણોત્સવ તો હવે દેશદુનિયાના નક્શા પર પ્રખ્યાત બની ગયું છે. અહીં ઠંડીની સીઝનમાં વિદેશી સહેલાણીઓ ધામા નાખીને બેસેલા હોય છે. ત્યારે તે પહેલા દિવાળીમાં જ તમે કચ્છ જવાનું પ્લાનિંગ કરી શકો છો. સફેદ ચાદર જેવી ધરતી પર સવારે ઉગતો અને સાંજે આથમતા સૂર્યને રણની ક્ષિતિજે જોવાનો લ્હાવો જ અલગ છે. જેની પ્રત્યે પ્રવાસીઓ આકર્ષાઈને આવે છે. કચ્છના રણમાં ફરવા માટે એક દિવસ પૂરતો છે, અને જો તમે અહીં બાંધેલા ટેન્ટમાં રહેવા માંગો છો, તો બે દિવસનું પ્લાનિંગ કરી શકો છો.
કચ્છમાં ફરવા જેવા બે બીચ છે. એક માંડવી અને બીજો પિંગલેશ્વર. બંને ગુજરાતના ફેમસ બીચ છે. આ બંને બીચ કચ્છ આવનારા લોકોને આકર્ષે છે. પિંગલેશ્વર કચ્છથી 100 કિલોમીટર દૂર આવેલું છે. તો માંડવીનો બીચ પણ પ્રવાસીઓના હોલિડે પેકેજમાં સામેલ જ હોય છે. આ ઉપરાંત કોટેશ્વરનો બીચ પણ ફેમસ છે. જ્યાં કોટેશ્વર શિવલિંગનું મંદિર આવેલું છે.
કચ્છમાં ફરવા જેવા અનેક સ્થળો છે. સૌથી પહેલી શરૂઆત માતાનો મઢ તરીકે ઓળખાતા આશાપુરા માતાના મંદિરથી કરવાની. જે પવિત્ર હિન્દુ તીર્થધામ છે. કચ્છમાં આવેલી ફેમસ જેસલ-તોરલની સમાધિની મુલાકાત લેવાની ન ભૂલતા. ઐતિહાસિક સ્થળોમાં લખપતનો કિલ્લો અને ભૂજમાં આવેલ આયના મહેલ અને પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસની મુલાકાત લેવાની ચૂકતા નહિ.
માંડવી સાથે ધોલાવિરા, ભુજોડીનું હેન્ડીક્રાફ્ટ અને કચ્છના રણને જોવાની યોજના પણ તમે બનાવી શકો છે. ભુજથી 8 કિમી આગળ એક નાનકડું ગામ આવેલું છે, નામ છે ભૂજોડી. આ ભૂજોડી ગામ એટલે કારીગરોનું ગામ. તેને કચ્છનું ટેક્સટાઇલ હબ કહેવાય છે, જ્યાં આવનારા લોકોને આ પ્રકારના કારીગર, વણકર અને બ્લોક પ્રિંટર્સ જોવા મળે છે.