Photos: ગુજરાત પાસે છે હિલ સ્ટેશનોનો ખજાનો...એક એકથી ચડિયાતા, આબુ-મસૂરી, નૈનીતાલ ભૂલી જશો
સાપુતારા હિલ સ્ટેશન એ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલુ છે. જે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે 1000 મીટર જેટલી ઊંચાઈ પર આવેલુ છે. આ વિસ્તાર ડુંગરાળ છે. ઉનાળામાં પણ અહીં તાપમાન લગભગ 30 ડિગ્રીથી ઓછું રહેતું હોય છે.સાપુતારાનો અર્થ જોઈએ તો સાપનું ઘર એમ થાય છે. પહેલાના વખતમાં સાપુતારામાં ઢગલો સાપ જોવા મળતા હતા. એવી માન્યતા પણ છે કે ભગવાન રામે વનવાસ દરમિયાન સાપુતારામાં પણ થોડો સમય વિતાવ્યો હતો. તે સમયે શબરી સાથે મુલાકાત થઈ હતી અને શબરીએ તેમને બોર ખવડાવ્યા હતા. સાપુતારાની વાત કરીએ તો આમ તો દરેક ઋતુમાં તેની મજા અલગ હોય છે પરંતુ ચોમાસામાં અહીં કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે.
જો ફરવાના શોખીન હોવ તો આ ડોન હિલ સ્ટેશન વિશે ખાસ જાણજો. આ એટલા માટે છે કે ઉત્તર ગુજરાતમાંથી લોકો માઉન્ટ આબુ ફરવા માટે જાય છે જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી લોકો સાપુતારા જાય છે. જો સાપુતારા ન જવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. ડાંગ આમ જોઈએ તો મુખ્યત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહીં આદિવાસી સમુદાયની વસ્તી વધુ છે એટલે તમે તેમની રહેણી કરણી અને તેમના ઘર, ભોજન વગેરે વિશે નવી નવી માહિતી પણ મેળવી શકો છો. સુરતથી ડોન હિલ સ્ટેશન લગભગ 150 કિમી દૂર છે. ડોન અને સાપુતારા વચ્ચેનું અંતર લગભગ 50 કિમી છે. સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ છે. એટલે તમે ડોન થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો.
ગિરનાર પહાડની શ્રૃંખલા જૈનો અને હિન્દુઓ માટે સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળોમાંથી એક છે અને ગુજરાત પાસે જે સારા પહાડી સ્થળો છે તેમાં ગણાય છે. તે ગુજરાતના જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતોનો સમૂહ છે. જ્યાં સિદ્ધ ચોરાસીના બેસણાં છે. પાંચ શીખરો છે જેમાં ગોરખ શિખર, અંબાજી શિખર, ગૌમુખી શિખર, જૈન મંદિર શિખર, માળી પરબ છે. ગિરનાર ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ 866 મંદિરો છે. હિન્દુ ધર્મ ઉપરાંત, જૈન ધર્મને પાળતા લોકો માટે પણ મહત્વનું યાત્રાધામ છે. અહીં આવેલું મીરા દાતાર મુસ્લિમોનું પવિત્ર સ્થળ છે.
વિલસન હિલ્સ ગુજરાત આ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાથી સમુદ્રનો નજારો પણ જોઈ શકાય છે. એકવાર તમે આ પહાડી પર આવશો તો તમને બીજે ક્યાય જવાનું મન નહિ થાય. વિલ્સન હિલ્સ ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન (hill station) છે, પરંતુ તે વધુ એક્સપ્લોર થયુ નથી. તેમા પણ ચોમાસામાં તેની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. વિલ્સન હિલ્સ વલસાડના ધરમપુરમાં આવેલુ છે. વિલ્સન હિલ્સ જંગલોથી ઘેરાયેલુ હિલ સ્ટેશન છે. તે પયંગબરી વન્યજીવ અભ્યારણ્ય પાસે આવેલુ છે. તે ગુજરાતનુ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાં સમુદ્રને પણ જોઈ શકાય છે. પરંતુ જો તમે વિલ્સન હિલ જવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે તેના વિશે માહિતી મેળવવી જરૂરી છે.
પાવાગઢ એ સુરથી માત્ર 200 કિમીના અંતરે અને પંચમહાલ જિલ્લામાં આવેલું એક સુંદર પહાડી સ્થળ છે. પાવાગઢની પહાડીઓથી પડતા ઝરણાની શ્રૃંખલા તેને સૌથી મનોરમ્ય અને અદભૂત સ્થળ બનાવે છે. પાવાગઢ હિલ્સ સાહસ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે બેસ્ટ જગ્યા છે. અહીં કાલિકા માતા મંદિર, પાવાગઢ કિલ્લો, જૈન મંદિર, જામા મસ્જિદ જેવા પ્રમુખ આકર્ષણો છે.