ગુજરાતના આ મંદિરમાં 600 વર્ષથી કાળા માટલાઓમાં સચવાયું છે ઘી, નથી બગડ્યું કે નથી પડી કોઈ જીવાત

Tue, 25 Jul 2023-12:49 pm,

અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લામાં રઢુ નામનુ એક ગામ આવેલું છે. આ ગામ વાત્રક નદીના કિનારે આવેલું છે. આ ગામ એક સામાન્ય ગામ છે. પરંતુ આ ગામડામાં આવેલું કામનાથ મહાદેવનું મંદિર સામાન્ય નથી. લોકો તેને ચમત્કારિક મંદિર કહે છે. આ મંદિરમાં 620 વર્ષથી ઘી ભરેલા 650 થી વધારે માટીના મોટા કાળા માટલા સચવાયેલા છે. 

મંદિરના ઓરડામાં વર્ષોથી આ ઘી સચવાયેલું છે. સામાન્ય રીતે ઘી થોડો વધુ સમય પડી રહે તો તે તેમાંથી ગંધ આવે કે ફુગ લાગી જાય છે. અહી મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલામા સંઘરાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે. અને આ ઘીનો જથ્થો નાનોસૂનો પણ નથી. અહી 13 થી 14 હજાર કિલો જેટલુ ઘી સચવાયેલું છે. 

કહેવાય છે કે, આ શિવ મંદિરમાં ઘીના જથ્થામાં ક્યારેય ઘટાડો થતો નથી, ઉપરથી તેમાં વધારો થતો જાય છે. તેની પરંપરા છે કે, મંદિરમાંના ઘીને ક્યારેય મંદિરની બહાર લઈ જવાતુ નથી. તેનો બીજો કોઈ ઉપયોગ પણ કરાતો નથી. માન્યતા મુજબ આમ કરનારને મોટું નુકશાન ભોગવવું પડે છે. મંદિરમાં પ્રજવલ્લિત રહેતી જ્યોત તથા મંદિરના પ્રાંગણમાં થતા યજ્ઞમાં તેનો ઉપયોગ કરાય છે. છતાં ઘીનો જથ્થો ઘટતો નથી.   

આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.   

આ મંદિર 1445 માં બન્યું હોવાનું કહેવાય છે. લોકવાયકા છે કે, 600 વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ. આથી બીજી સવારે સ્વપ્નની વાત જેસંગભાઇએ ગ્રામજનોને કરતા સૌ શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી દીવો પ્રગટાવીને સાથે લીધો હતો. કહેવાય છે તે સમયે વરસાદ અને ભારે પવન હતો છતાંયે દીવો અખંડ રહ્યો. સંવત ૧૪૪પમાં દીવાની સ્થાપના કરીને નાની ડેરી બનાવી હતી. ત્યારથી ગામ સહિત આસપાસના પંથકના ભાવિકજનો મહાદેવજીના દર્શને આવે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link