રંગ બરસે : ગુજરાતના ધારાસભ્યો પહેલીવાર એકસાથે હોળી રમ્યા, વાઘાણીએ લાકડી ફેરવી કર્યું નૃત્ય
વિધાનસભા પ્રાંગણમાં ધારાસભ્યો પહેલીવાર સામુહિક ધુળેટી રમ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધૂળેટીનું વિશેષ આયોજન કર્યુ હતું. મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કેસૂડાના ફૂલનું પાણી, ગુલાલ અને પિચકારીથી ધુળેટીની ઉજવણી કરાઈ હતી. તો પ્રવેશ દ્વાર પર ઢોલ, શરણાઈ અને રાજસ્થાની નૃત્ય કલાકારોએ ધારાસભ્યોનું સ્વાગત કર્યુ હતું. દેશી વાદ્યો ઉપરાંત dJ સાઉન્ડની પણ વ્યવસ્થા હતી. જેથી વિધાનસભાનું પ્રાંગણ કલરફૂલ બની ગયું હતું.
સરકારના હોળી ઉત્સવમાં કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા ન હતા. ખેડૂતો દુઃખી છે ત્યારે ઉત્સવો અયોગ્ય હોવાનો કોંગ્રેસે મત વ્યક્ત કર્યો હતો. સરકારી પેકેજ અને ઉત્સવ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, પેકેજમાં કિલોએ 1-2 રૂપિયાની મદદની જાહેરાત કરી છે. ચોધાર આસુંએ રડનાર ખેડૂતની સાથે સરકારે ઉભું રહેવું જોઈએ. હોળી ઉત્સવ કરી સરકાર પ્રજાના ટેક્સના રૂપિયા ઉડાવશે. ખેડૂતની આ સ્થિતિએ કોંગ્રેસ ક્યારેય ઉત્સવમાં ના જોડાય. સરકારે પ્રજાના રૂપિયાનો સદુપયોગ કરવો જોઈએ.