કૂવામાં નાંખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે, જૂની પરંપરાથી કરાઈ ચોમાસાની ભવિષ્યવાણી

Tue, 20 Jun 2023-11:30 am,

જામનગર જિલ્લાના આમરા ગામે વરસાદનો વરતારો જોવાની 150 વર્ષ કરતા વધારે જૂની પરંપરા આ વર્ષે પણ જાળવવામાં આવી. કુવામાં રોટલો નાંખી અને વરસાદનો વરતારો જોવામાં આવ્યો, રોટલો કૂવામાં ઊગમણી દિશાએ જતા સારા વરસાદની ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે.

જામનગર નજીક આવેલા આમરા ગામમાં રોટલાના આધારે વરતારો નક્કી કરવાની આ પરંપરા 150 વર્ષ જૂની હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામલોકો એકઠા થાય છે. 

પરંપરા મુજબ ગામમાં સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ત્યાર બાદ વાણંદ સમાજની વ્યકિત આ રોટલા લઈ ગામના ભમ્મરિયા કૂવા પર પહોંચે છે. આ સમયે ગામના તમામ લોકો ઢોલ-નગારા સાથે જોડાય છે. કૂવા પર પહોંચ્યા બાદ ગામના ક્ષત્રિય સમાજની વ્યક્તિ રોટલો લઈ કૂવામાં પધરાવે છે.

આમરા ગામના આગેવાન રણછોડ પરમારે જણાવ્યું કે, દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે વેરાઈ માતાના મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. લોકવાયકા પ્રમાણે, વર્ષો અગાઉ ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધા પછી ગામ પર આફત આવી હતી. જે-તે સમયે આ કૂવામાં રોટલા પધરાવ્યા બાદ આફત ટળી હતી. ત્યારથી આ રસમ અપનાવાતી હોવાનું અમારા પૂર્વજોએ અમને જણાવ્યું હતું.

જો પૂર્વ અને ઈશાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામલોકોને શ્રદ્ધા છે. જો કે આ વર્ષે ઉગમણી દિશામાં રોટલો કૂવામાં પડતાં ગ્રામજનોએ સારા વરસાદની આગાહી કરી છે

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link