ઠુંઠવાશે ગુજરાત, આવી ગઈ ખતરનાક ઠંડીની આગાહી, હવામાન વિભાગે આપી માહિતી
ગુજરાતમાં ઠંડી વધારે પડે તેનું સૌથી મોટું કારણ ઉત્તર ભારતના રાજ્યો હોય છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો થાય અને બરફના થર જામે ત્યારપછી જ ગુજરાતમાં કાતિલ ઠંડી પડતી હોય છે. જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરખંડ સહિતના પહાડી રાજ્યોમાં બરફનો વરસાદ થઈ ગયો છે. પહાડો પર બરફની ચાદર પથરાઈ ગઈ છે અને સહેલાણીઓ આ બરફની મજા ઉઠાવી રહ્યા છે. પરંતુ આ જ સ્નોફોલથી હવે ગુજરાતીઓએ કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.
તો કંઈક આવી ઠંડી માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. માગસર મહિનો પૂરો થવાનો છે. માગસર મહિનામાં માવઠું પડ્યું હતું. હવે ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો વધશે. પહાડી પ્રદેશોમાં કાતિલ હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે હવે ગુજરાતમાં બે બે સ્વેટર પહેરવા પડે તેવી ઠંડી પડશે. કચ્છનું નલિયા તો જાણે ઠુઠવાઈ જ જવાનું છે. તમારે બાળકોને થર્મલ વેર પહેરવાની ફરજ પાડવી જ પડશે. આ ઠંડીનો ચમકારો પોષ માસથી શરૂ થાય તેવા એંધાણ છે એટલે કે બે દિવસ પછી થરથર ધ્રૂજાવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે.
ઠંડીનો ચમકારો એવો હશે કે તાપણા વગર નહીં ચાલે. રાતના સમયે તો હાર્ટ બંધ થઈ જાય તેવી ઠંડી પડશે. માગસર પુરો થવામાં બે દિવસની જ વાર છે અને પોષની શરૂઆતથી જ ઠંડીનો માર શરૂ થઈ જશે. આ ઠંડી એવી હશે કે તાપણ વગર પોષ માસ નહીં નીકળે. કોલ્ડ વેવના કારણે 31 ડિસેમ્બર સુધી શિયાળાની સૌથી વધુ ઠંડી પડી શકે છે. જ્યારે 5 થી 15 જાન્યુઆરી દરમિયાન પણ રાજ્યમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. આ દરમિયાન ઠંડી છેલ્લા 5 થી 7 વર્ષનો રેકોર્ડ તોડશે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક પશ્ચિમી વિક્ષોપ પસાર થઈ રહ્યા છે. જેના પરિણામે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પુરતો ભેજ મળતા તે મજબૂત બન્યું છે. જેથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ હતી. 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાત માવઠારૂપી મુસિબતમાંથી મુક્ત થઈ જશે. જેના બીજા દિવસ એટલે કે 29 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઠંડીનું જોર વધવાથી શિયાળો જામશે.
ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજનું કારણ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેશે. જેને કારણે 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી પહોંચી શકે છે.