Queen Elizabeth: યુકેમાં રહેતા ગુજ્જુ કલાકાર અને તેમની ટીમની મહારાણી એલિઝાબેથ દ્વિતિયને કળાના માધ્યમથી શ્રદ્ધાંજલિ, જુઓ PICS
લંડનમાં સ્થાયી થયેલા ગુજરાતી કલાકાર જિજ્ઞેશ પટેલ અને તેમની ટીમ દ્વારા બ્રિટનના સ્વ. મહારાણી એલિઝાબેથને તેમની 70 વર્ષની સેવા બદલ સન્માનવા માટે અને શ્રદ્ધાંજલિ અર્થે એક વિશાળ ભીતચિત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અત્રે જણાવવાનું કે મહારાણી એલિઝાબેથનું 8મી સપ્ટેમ્બરે 96 વર્ષની વયે બાલમોરલમાં નિધન થયું. તેમના નિધનના કારણે બ્રિટન સહિત સમગ્ર વિશ્વમાં શોકની લહેર છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારકો એવા જિજ્ઞેશ પટેલ અને યશ પટેલ બંને Hounslow ના રહીશ છે અને મહારાણીના નિધન બાદ છેલ્લા કેટલાક દિવસથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
જિજ્ઞેશ પટેલે આ અંગે કહ્યું કે "આ આર્ટવર્ક માત્ર રાણીને શ્રદ્ધાંજલિ જ નહી આપે પણ તે કલાનો એક નમૂનો પણ હશે જે આવનારા ઘણા વર્ષો સુધી યુકેમાં હજારો લોકો દ્વારા માણવામાં આવશે."
આ ભીતચિત્ર બનાવવા માટે તેમણે Hounslow East Underground station બહાર કિંગ્સ્લે રોડ પર આવેલા બે માળના બિલ્ડિંગની પસંદગી કરી છે.
એકવાર આ ભીંતચિત્ર બનીને તૈયાર થઈ જાય પછી તે ટ્યૂબ સ્ટેશન પરથી જોઈ શકાશે અને વિવિધ વંશીય અને ધાર્મિક પૃષ્ઠભૂમિના રહેવાસીઓનું ઘર એવા વિસ્તારમાં મહારાણીના વારસાને જાળવવાનું કામ કરશે.
બંને મ્યુરલિસ્ટ જિગ્નેશ અને યશ તેમની વચ્ચે પાંચ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, જેમાં સૌથી મોટી બબલ રેપ પેઇન્ટિંગ બનાવવાનો પણ સમાવેશ થાય છે.
આ પેઈન્ટિંગ ગયા વર્ષે 200,000 બબલ ભરીને બનાવવામાં આવ્યું હતું. તેઓએ Hounslow માં કિંગ્સલે રોડ પર પણ ટેરેસવાળા ઘરની આગળની બાજુએ કલાકાર વિન્સેન્ટ વાન ગોનું પ્રખ્યાત ભીંતચિત્ર પણ બનાવ્યું હતું.
વર્ષ 2020માં જીગ્નેશ પટેલ બીબીસીના ધ વન શોમાં ‘વન બિગ થેંક યુ’ સેગમેન્ટમાં પણ જોવા મળ્યા હતા. આ કલાકાર, જે આમ તો સુપરમાર્કેટ મેનેજર તરીકે કામ કરે છે, તેમણે સમુદાયના બાળકોને કળામાં રસ લેતા કરવા, પ્રેરણા પૂરી પાડવા સમગ્ર લોકડાઉન દરમિયાન પોતાના કામ બાદ સમય કાઢ્યો હતો જે બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા.
જિજ્ઞેશ પટેલે પોતાની પેઇન્ટિંગ્સ વેચી અને તેમાંથી ઊભા કરેલા પૈસા ચેરિટીમાં દાનમાં આપ્યા.
અત્રે જણાવવાનું કે મહારાણીની શબપેટીને સ્કોટલેન્ડથી લાવવામાં આવ્યા બાદ સોમવારે (સપ્ટેમ્બર 19) લંડનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.(અહેવાલ-સાભાર માય લંડન ડોટ ન્યૂઝ)