ગોલ્ડન કરિયર છોડીને આ ગુજ્જુ બન્યા પશુપાલક, હવે ગીરની ગાયોથી કરે છે અઢળક કમાણી

Sat, 29 Apr 2023-5:14 pm,

ઘણા લાકોને એવા વિચાર આવતા હોય છે કે તેમને ખુદને પણ ખબર ન હોય કે આ વિચાર તેમને ક્યાં સુધી લઇ જશે. ભણ્યા કંઇ અલગ હોય અને કામ કંઇક અલગ કર્યું હોય. આજે આપણે જેની વાત કરવા જઇ રહ્યા છીએ એવા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના હેમલ શાહની કહાની પણ કંઇક આવી જ છે. હેમલભાઇએ ફાર્માસિસ્ટનો અભ્યાસ કર્યો, ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી પણ હેમલભાઇને બાળપણથી જ પશુપાલન વ્યવસાય પ્રત્યે લાગણી અને પ્રેમ હતો અટલે તેમને પોતાનો ફેશન ડિઝાઇનિંગનો વ્યવસાય છોડી પશુપાલન ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું.  પશુપાલન વ્યવસાય પ્રત્યે લાગણી અને પ્રેમને કારણે જ તેઓને વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં પ્રાકૃતિક પદ્ધતિથી પશુપાલન કરનાર અમદાવાદ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે નવાઝવામાં આવ્યા હતા. આજે હેમલભાઇ ૪૩ ગીર ઓલાદની દૂધ આપતી ગાયો તેમજ ૮ ગાયો ગાભણ થકી વાર્ષિક ૭ લાખથી વધુની રકમ માત્ર દૂધ વેચીને કમાઇ રહ્યા છે.  

આ અંગે વાત કરતા હેમલ શાહે કહ્યું કે, હું ધોળકા તાલુકાના લોલિયા ગામનો રહેવાસી છું. મેં ફાર્માસિસ્ટનો અભ્યાસ કર્યો છે અને છેલ્લાં ૩૦ વર્ષોથી ફેશન ડિઝાઈનિંગનું કામ કરતા આવ્યા છીએ. આ ક્ષેત્રમાં મને ઘણા એવોર્ડ અને પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. મને ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રની સાથે-સાથે પશુપાલન ક્ષેત્રમાં પણ એટલો જ રસ હતો. મને વર્ષ ૨૦૧૮-૧૯માં એક વિચાર આવ્યો કે મારે ફેશન ડિઝાઇનિંગનું  ક્ષેત્ર છોડીને હવે પશુપાલન ક્ષેત્રમાં જ આગળ વધવું છે એટલે મેં મારો વ્યવસાય મારી ધર્મ-પત્નીને સોંપીને પશુપાલન ક્ષેત્ર તરફ આગળ વધ્યો હતો. આખરે ૫૦ વર્ષની ઉંમર પછી જીવદયા સેવાનું કાર્ય કરવા માટે ગુજરાતના ગૌરવ સમી ગીરનું, ગૌ સંરક્ષણ અને સંવર્ધન કરવાનું નક્કી કર્યું.

મેં વર્ષ ૨૦૧૮-૧૯માં 'I khedut Portal' પર પશુપાલન ખાતાની સહાયકારી યોજના તેમજ સ્વ-રોજગારી હેતુ ૧૨ દુધાળા પશુઓની સ્થાપનાની અરજી કરતાં ઉક્ત સહાયકારી યોજનાનો લાભ મેળવી મેં શુધ્ધ ઓલાદની ૧૨ ગીર ગાયોના ફાર્મથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી. મને પ્રકૃતિ પ્રત્યે બાળપણથી જ પ્રેમ હોવાથી પશુપાલન વ્યવસાય પ્રાકૃતિક રીતે કરવાનો નિશ્ચય કર્યો. આ માટે પશુઓના ખોરાક માટે છાણીયા ખાતર, ગૌ મૂત્ર અર્ક, વર્મી કમ્પોષ્ટના ઉપયોગ કરી તેના દ્વારા ઉત્પન્ન થતા ઘાસચારા અને ખાણ દાણનો ઉપયોગ ચાલું કર્યો, જેના કારણે પશુ આરોગ્યમાં વધારો થતાં તેના ઉત્પાદનમાં વધારો થયો. 

હાલમાં મારી પાસે ૪૩ ગીર ઓલાદની દૂધ આપતી ગાયો છે તેમજ ૮ ગાયો ગાભણ અવસ્થામાં છે.  આમ, દર મહિને અંદાજે રૂપિયા ૬૦,૦૦૦ જેટલી રકમનુ દૂધનુ વેચાણ કરુ છું. આમ વાર્ષિક ૭ લાખથી વધુની રકમ માત્ર દૂઘ વેચાણ થકી મને મળી રહી છે. આ ઉપરાંત  ઘી, ચીઝ, માખણ વગેરે ૮૦ જેટલી પશુ આધારીત પેદાશોનુ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરી વેચાણ કરું છું જેના થકી આર્થિક ઉપાર્જનમાં વધારો થાય છે. આમ, સમાજને ઉચ્ચ ગુણવત્તાઉક્ત  પ્રાકૃતિક રીતથી ઉત્પાદિત થયેલું દૂધ અને વિવિધ પશુ પેદાશો મળે છે જેના થકી માનવ આરોગ્યમાં વધારો થાય છે. 

પ્રાકૃતિક રીતે પશુપાલન વ્યવસાય એ સમાજ સેવા માટેની મોટી તક સમાન હોઇ આ કામગીરી કરવા બદલ ગૌરવની લાગણી પણ અનુભવી રહ્યો છું. આમ,પ્રાકૃતિક રીતે પશુપાલન વ્યવસાય કરવાથી આવકમાં વધારો તેમજ માનવ આરોગ્ય  માટે  ફાયદાકારક હોઇ સૌ પશુપાલકોને શુધ્ધ ઓલાદની ગાયો-ભેંસો દ્વારા પ્રાકૃતિક રીતે પશુપાલન વ્યવસાય કરવા અપીલ કરૂં છું અને રાજ્ય સરકાર તરફથી મળેલ સહયોગને બદલ હું તેમનો આભાર પણ વ્યક્ત કરું છું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link