હાહાકાર મચાવશે ચક્રવાતી તોફાન! આ 10 રાજ્યોની દશા બેસાડશે વરસાદ, જાણો નવરાત્રિમાં શું થશે
Weather Forecast for today: દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે, કારણ કે બંગાળની ખાડીમાં હજુ પણ લો પ્રેશર સાયક્લોનિક સરક્યુલેશન મોજૂદ છે. તેની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન આવી શકે છે. ગુજરાતમાં હાલમાં જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યના 164 તાલુકામાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતના વડોદરા પર બે મહિનામાં ત્રીજીવાર પૂરનું સંકટ મંડરાયું છે. કાલાઘોડા બ્રિજ પાસે જળ સપાટીમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ છે. સપાટી 25.07 ફૂટથી ઘટીને 24.96 ફૂટે આવી ગઈ છે. આજવા ડેમની સપાટી વધીને 213.26 ફૂટે પહોંચી છે. આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજી બંધ છે.
ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ઘણા રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે અને ભારે વરસાદ પણ પડી શકે છે. જો કે, રાજધાની દિલ્હીમાંથી ચોમાસાએ સંપૂર્ણ રીતે વિદાય લીધી છે, જેના કારણે હવામાન વિભાગે અહીં તાપમાન વધવાની આશા વ્યક્ત કરી છે. ચાલો જોઈએ, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આજે અને આગામી દિવસોમાં દેશનું હવામાન કેવું રહેશે? ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ આજે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારો, આસામ, મેઘાલય, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ આ અઠવાડિયે થવાની શક્યતા છે. બિહારમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે આસામ અને મેઘાલયમાં 2 અને 3 ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના છે.
અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ 2 થી 4 ઓક્ટોબર દરમિયાન વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારના 12 જિલ્લા પૂરમાં ડૂબી ગયા છે, કારણ કે ગંડક અને કોસી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તાજેતરમાં, કોસી નદી પરનો બેરેજ ખોલવાને કારણે બીજા ઘણા જિલ્લાઓમાં પૂરનું જોખમ વધી ગયું છે. લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી બચાવવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં હવામાનની સ્થિતિ ઘણી ગંભીર બની ગઈ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને 10 ઓક્ટોબર સુધી પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં વધુ વરસાદ જોવા મળી શકે છે, જે દુર્ગા પૂજા દરમિયાન વિધ્ન બની શકે છે.
ઝારખંડમાં વરસાદ ચાલુ રહેશે અને હવામાન વિભાગે આગામી દિવસો માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 ઓક્ટોબરથી બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે જેના પરિણામે 3થી 7 ઓક્ટોબર વચ્ચે ઝારખંડમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.