મહેશ કનોડિયાએ લતા મંગેશકરના અવાજમાં ગીત ગાયું, ત્યારે દીદીએ કનોડિયા ભાઈઓને ઘરે આમંત્રણ આપ્યું હતું
મહેશ કનોડિયાએ પોતાની કરિયરમાં અનેક ગુજરાતી ફિલ્મોમાં ગાયક તરીકે કામ કર્યું છે. તેઓ 3 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 26 વિવિધ પ્રકારના અવાજમાં ગાઈ શક્તા હતા. તેમના અવાજનો જાદુ લશા મંગેશકર પર પણ છવાયો હતો. મહેશ કનોડિયાએ એકવાર લતા મંગેશકરના અવાજમાં ગીત ગાયુ હતું. ત્યારે લતા મંગેશકર તેમનો અવાજ સાંભળી એટલા પ્રભાવિત થયા હતા કે, પોતાના જન્મદિવસે મહેશ કનોડિયાને જમવા બોલાવ્યા હતા. લતા મંગેશકરે બંને ભાઈઓને પોતાના ઘરે બોલાવીને એમના ગીતો સાંભળ્યા હતા.
મહેશ કનોડિયા કારમો સંઘર્ષ કરીને આગળ આવ્યા હતા. તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે મ્યૂઝિકલ પ્રોગ્રામ કરતા હતા. જેમાં તેઓ નાના પ્રોગ્રામ આપતા હતા. ગામેગામ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યાં. તેઓ સ્ત્રીઓના અવાજમાં પણ ગાતા હતા. તેમની આ આવડત પોપ્યુલર બની ગઈ. જેથી તેમના પ્રોગ્રામ સફળ થવા લાગ્યા. 80ના દાયકોમાં ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપવાનું શરૂ કર્યું હતું. તેમની વણઝારી વાવ, તમે રે ચંપો અને અમે કેળ, મેરુ માલણ, જોગસંજોગ, સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપ્યું છે. .
પહેલા લોકગીત આધારિત સંગીત હતું, તેને વધુ આધુનિક બનાવવામાં મહેશ કનોડિયાનો મોટો ફાળો છે. ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય...’ ગીતમાં તેમનું સંગીત છે. આ ગીતમાં જે મહિલાનો અવાજ છે તે મહેશ કનોડિયાનો પોતાનો છે, જ્યારે મેલ વોઈસ પ્રફુલ દવેનો છે.
મહેશ કનોડિયા તેમના પરિવારના સૌથી મોટા પુત્ર હતા. ચાર ભાઈ અને ત્રણ બહેનોનું પરિવાર હતુ. તેથી પરિવારને સંભાળવાની જવાબદારી મહેશ કનોડિયાના શિરે હતી. શરૂઆતના દિવસોમાં તેઓએ મુંબઈમાં વણાટકામના કામ પણ કર્યું હતું. જેના બાદ તેઓ સંગીતની દુનિયા તરફ વળ્યા હતા. ભાઈ નરેશ કનોડિયાને ગુજરાતી ફિલ્મ જગતમાં લાવવામાં મહેશ કનોડિયાનો મોટો રોલ છે.