ક્યાં ખોવાઈ ગયા ગુજરાતના રજવાડાઓની શાન ગણતા કાઠિયાવાડી ઘોડા?

Fri, 11 Dec 2020-8:44 am,

આજે આ ઈતિહાસ ઉખેલવાની જરૂર એટલા માટે પડી રહી છે કારણે વર્તમાન સમયમાં એ અદભૂત વારસો વિસરાઈ રહ્યો છે. ચેતક જેવા વફાદાર કાઠિયાવાડી ઘોડાના તબડક તબડકના અવાજો હવે ઇતિહાસમાં જ ખોવાઈ જાય એવી શક્યતાઓ પેદા થઈ છે. હવે લગ્નપ્રસંગે વરરાજા માટે કે દરિયાકિનારે હૉર્સરાઇડ માટેના અશ્વ જોઈને જ ખુશ થવું પડે એમ છે. યુદ્ધમાં ગજબની ચપળતા, વફાદારી, બહાદુરી અને પ્રાણ ન્યોછાવર કરનારા કાઠિયાવાડી ઘોડાની સંખ્યા નામશેષ થવાના આરે છે. એનું કારણ એ છે કે છેલ્લાં ૬૦ વર્ષમાં ઘોડાની સંખ્યામાં ૮૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. એમાં પણ ‘શુદ્ધ કાઠિયાવાડી’ જાતિના કહેવાય ઘોડા ખૂબ જ ઓછા છે.

ગુજરાત વિવિધ ઓલાદના ઘોડા માટે જાણીતું છે. ઉંચી ઓલાદના અશ્વોને રાખવાએ ગુજરાતીઓનો શોખ છે. પણ હવે કાઠિયાવાડી ઓલાદના ઘોડાની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. એની પાછળનું મુખ્ય કારણ છે ક્રોસ બ્રીડ. જોકે હવે રહી રહીને તંત્રને પણ ઉંચી ઓલાદના ઘોડાને બચાવવા ચિંતા જાગી છે અને તેના માટે બ્રીડર એસોસિયેશન બનાવવામાં આવશે. જેના માટે સતત બીજા વર્ષે પણ 5.10 લાખની ગ્રાન્ટને રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગને મંજૂરી આપી છે. ગુજરાતમાં અત્યાર સુધી કાઠીયાવાડી અને મારવાડી એમ બે ઘોડાની નસલને માન્યતા મળી હતી. પરંતુ કચ્છમાં જોવા મળતાં કચ્છી સિંધી સમાજ નસલને કેન્દ્ર સરકારે તાજેતરમાં માન્યતા આપી છે. ગુજરાતમાં સૌથી વધુ જોવા મળતા કાઠીયાવાડી ઘોડાની સંખ્યા વધે તેવા પ્રયાસના ભાગરૂપે બ્રીડર એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી રહી છે.

ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે, ગુજરાતમાં ઘોડાની સંખ્યા 2012માં 0.92 મિલિયન એટલે કે 6 લાખ 20 હજાર હતી. જે ઘટીને 2019માં 0.34 મિલિયન એટલે કે 3 લાખ 40 હજાર થઇ છે. એટલે કે રાજ્યમાં બ્રિડીંગના અભાવે અશ્વની સંખ્યામાં 45.58 ટકાનો ઘટાડો થયો છે. પશુપાલન વિભાગના અધિકારી કહે છે કે, બ્રીડર એસોસિયેશન પછી ગુજરાતમાં ઘોડાની બે મુખ્ય જાતોના સંવર્ધનના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

તમને એવું થતું હશે કે ઘોડામાં વળી કાઠિયાવાડી કે મારવાડી થોડા હોય. ઘોડા તો ઘોડા હોય તેમા વળી જાત ભાત થોડીના હોય, પણ ના એવું નથી હોતું. જાણીને નવાઈ લાગશે પણ ઘોડાની નસલ નક્કી કરવા માટેના જડબેસલાક નિયમો છે. જો કોઈ ઘોડાના માતા-પિતા, દાદા-દાદી, પરદાદા-પરદાદી, પરપરદાદા-પરપરદાદી એમ ચાર પેઢી કાઠિયાવાડી હોય તો જ એને પ્યૉર નસલનું બિરુદ મળે છે. જ્યારે હાલનો સિનારિયો કંઈક જુદો જ છે. છૂટાછવાયા ધોરણે આડેધડ ક્રૉસ-બ્રીડિંગ થતું હોવાથી શુદ્ધ જાતિને સાચવવાનું અઘરું થઈ ગયું છે. સાચી ઓલાદ નક્કી કરવા માટે વંશવેલા ઉપરાંત અંગ-ઉપાંગો, સાઇઝ, ચાલ, રંગ સહિતના પાસા ચકાસવામાં આવે છે.  આપણા ‘કાઠિયાવાડી ઘોડાની સાચી ઓળખ તેના કાન છે. કાઠિયાવાડી હૉર્સના કાન ઊંચા અને એના છેડા એકબીજાને અડેલા અથવા તો અડું-અડું થતા હોય છે. એનું ઓવરઑલ કદ પણ નાનું એટલે કે ૧૪.૫ ફૂટની આસપાસનું  હોય. પહોળું કપાળ, ટૂંકી મોખલી, મોટી બહાર  નીકળતી આંખો, પહોળાં નસકોરાં, મોરલાની ડોક જેવી ગરદનપર ઊંચું માથું રાખવાની કાઠિયાવાડી ઘોડાની અનોખી અદા ગણાય છે. બીજી કોઈ જાતિના ઘોડાના કાન ઉન્નત અને એકમેકને ટચ થતા હોય એવા નથી હોતા.    

ગુજરાતની મુખ્ય ત્રણ ઘોડાની ઓલાદ સહિત વિશ્વભરમાં સેકડો ઘોડાની પ્રજાતિ છે. પરંતુ દરેક ઘોડાના લક્ષણ અને વિશેષતા અલગ હોય છે. કાઠિયાવાડી અને મારવાડી ઘોડા અન્ય વિદેશી બ્રીડ કરતાં હાઈટમાં થોડાક નાના હોય છે. સાથે કાઠિયાવાડી ઘોડાની મુખ્ય તાકાત લાંબી સવારી કરવાની છે. તેજ દોડના બદલે લાંબી સવારી માટે કાઠિયાવાડી અને મારવાડી ઘોડા ખૂબ પ્રખ્યાત છે. બંને પ્રજાતિના ઘોડા એક દિવસમાં સો-સવાસો કિલોમીટરની ખેપ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

અત્યારે સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, રાજસ્થાન અને ભારતના અન્ય ખૂણાઓમાં ઘોડાની સંખ્યા વધી છે. પરંતુ શુદ્ધ નસલના કડક નિયમોમાંથી પાસ થાય એવા બહુ ઓછા ઘોડા રહ્યા છે. ખરી માત્ર ભારતીય ઘોડાઓમાં જ આ વિશિષ્ટતા છે. આ જ કારણોસર એક માન્યતા હતી કે, કાઠિયાવાડી ઘોડાના કાનને વીંધીને એને ભેગા કરવામાં આવે છે. બીજી પણ એક ખૂબ  પ્રચલિત માન્યતા છે  કે કાઠિયાવાડી ઘોડાઓ અરબી પ્રજાતિમાંથી પેદા થયેલા છે. જો કે આ બન્ને વાત તદ્દન ઊપજાવી કાઢેલી છે.

એક સમય હતો જ્યારે માણસનો સૌથી વિશ્વાસુ સાથી તેનો ઘોડો ગણાતો. કાઠી, ચારણ, ગઢવી, આહિર અને રજપૂત જેવી ખમીરવંતી કોમમાં તો ઘરે બે-પાંચ ઘોડા ન હોય એવું કદી ન બને. પરંતુ દૂરનાં ગામોમાં જ્યાં અશ્વપાલકો હોય છે ત્યાં તેમને સમય આવ્યે શુદ્ધ પુખ્ત નર ઘોડા નથી મળતા. જેથી ઘોડી ઠાણમાં બેસે ત્યારે આસપાસમાંથી જે કોઈ પણ પ્રજાતિનો ઘોડો મળે એની સાથે તેને મળાવી લેવામાં આવે. જેથી ઘોડાની સંખ્યા વધે છે પણ ક્રૉસ-બ્રીડિંગ થવાને કારણે શુદ્ધ નસલ જોખમમાં મુકાઈ જાય છે.સાથે જ આપણે બીજી પ્રજાતિઓની દેખાદેખીમાં આવીને આપણી ઓલાદની વિશિષ્ટતાને નજર અંદાજ ન કરીએ છીએ.

ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ વાંચીએ તો ભગવાન સ્વામિનારાયણની માણકી ઘોડી, કાદુ મકરાણીની લીલુડી અને જૂનાગઢના રાજા રા’નવઘણના અશ્વપ્રેમની આંખો ભીની થઈ જાય અને છાતી ગજગજ ફૂલે એવી તો અનેક શૌર્યકથાઓ ઈતિહાસમાં કંડારાયેલી છે. એટલું જ નહિ, પણ વફાદાર, વિશ્વાસુ, સહનશીલ અને માલિક માટે પ્રાણ ન્યોછાવર કરનાર મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક હોય કે ચોટીલાના ધણી સેલાર ખાચરની ચાંગ નામની જાતવંત ઘોડી હોય, રજવાડાંઓના સૈન્યમાં ખમીરવંતા ઘોડાઓનું આગવું સ્થાન રહેતું હતું. યુદ્ધમાં સૌથી ભરોસાપાત્ર સાથી એવા કાઠિયાવાડી ઘોડા સ્વભાવે ખૂબ જ વફાદાર હોય છે. રજવાડાના સમયે એક ગામથી બીજા ગામનો પ્રવાસ ખેડવા માટે પણ ઘોડાનો ઉપયોગ થતો હતો. એટલે તેમનું સંવર્ધન કુદરતી રીતે જ થતું. અશ્વ સંવર્ધનમાં કાઠીઓ મોખરે હતા. એટલે જ આ પ્રજાતિનું નામ કાઠિયાવાડી પડ્યું. જોકે સમય જતાં રાજા-રજવાડાંઓ નષ્ટ થતાં ગયાં. યુદ્ધો બંધ થઈ ગયાં અને ટેક્નૉલૉજીનો વિકાસ થતાં ટ્રાન્સપોર્ટના અન્ય વિકલ્પો ઉભા થતા ગયા. એટલે અશ્વ સંવર્ધન પણ ઘટતું ગયું.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link