ગુજરાતના એક સમાજમાં થાય છે એવા લગ્ન કે, વરરાજા કરે છે કૃષ્ણ જેવો શણગાર, પણ કન્યા હોય છે છે શ્રૃંગાર વગરની
દ્વારકામાં ગુગ્ગલી જ્ઞાતિ સમસ્ત 505નો સમૂહ લગ્ન મહોત્સવ ગઈકાલે વસત પંચમીનાં રોજ ભારે ધામધૂમથી યોજાયો હતો. રૂક્ષ્મણી માતાના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા ત્યારે વિદ્રભથી માતા રૂક્ષ્મણીનું અપહરણ કરી ભગવાન દ્વારકા આવ્યા હતા. અહી ભગવાન જે રીતે લગ્ન વિધિથી જોડાયા હતા ત્યારે ભગવાન દ્વારકાધીશ રાજા અને રૂક્ષ્મણી માતાએ જેવા લગ્ન કર્યા તેવા જ લગ્નની પરંપરા આ સમાજમાં છે. આજે પણ આ સમાજની યુવતીઓ આવી રીતે સાદગીથી લગ્ન કરવા બેસે છે.
છેલ્લા પાંચ દિવસ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત રાખવામાં આવ્યા હતા. 14 નવ દંપતીઓ અને 41 જનોઈયાઓ જોડાયા હતા. સાંજીના ગીત વરઘોડો સતત પાંચ દિવસ સમૂહ ભોજન સહિત વિવિધ વિધિઓ એક સાથે સમૂહમાં કરવામાં આવી હતી. ભવ્ય અને જાજરમાન વરઘોડો બાદ ભગવાન કૃષ્ણ જેવા અલંકારો માથે રાઠોડી પાઘડી પહેરે છે. બંને હાથમાં બાજુ બંધ, ગળામાં અમૂલ્ય હીરા મોતીઓનાં હાર, માથે ફૂમકું સહિતનાં રાજાધિરાજ જેવા આલંકારોથી સજીધજીને વરરાજા મંડપમાં આવે છે. ત્યારે કન્યા માતા રૂક્ષ્મણી સ્વરૂપ ધારણ કરીને માત્ર ઘરચોળું અને પાનેતર પહેરી વધુ કોઈ શૃંગાર વગર જ લગ્ન મંડપમાં આવી મંગળ ફેરા ફરે છે.
આ પરંપરા 5000 વર્ષો પૂર્વેથી આ સમાજમાં ચાલી આવે છે. તે સમયે જે વૈધિક વિધાન હતા, એ જ રીતે આજે પણ તેને જાળવી રાખવામા આવ્યા છે. આ રીતે આ લગ્ન બહુ જ ખાસ બની રહે છે. જેને નિહાળવા માટે અન્ય જ્ઞાતિના લોકો તથા પ્રવાસીઓ પણ ઉમટી પડે છે. વિવિધ અગ્રણીઓ આગેવાનો અને રાજકીય વ્યક્તિઓ લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા પધારે છે.