ગુજરાતમાં એકમાત્ર સોના-ચાંદી અને હીરા જડિત જૈન દેરાસર, 250 વર્ષ જૂના રિયલ ડાયમંડની કરાઈ આંગી
માંડવી ચોક દેરાસર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઇ દેસાઇએ ZEE 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 600 કિલો ચાંદીનો ઉપયોગ કરી ભગવવાના ઘરેણાથી લઇ ચાંદીનો રથ અને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં દરવાજા અને દિવાલોમાં ચાંદી જડવામાં આવ્યા છે. 1 કિલો સોનાની પણ જરૂર લાગી ત્યાં વચ્ચે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ 250 વર્ષ જૂના રિયાલ ડાયમંડની આંગી કરવામાં આવે છે જે દેશ આખામાં પહેલું આ દેરાસર છે.
જીતુભાઇ દેસાઇના જણાવ્યા મુજબ સુપાર્શ્વનાથદાદાના હારને સોના-ચાંદીથી મઢવા માટે ત્રીસ લાખથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ માટે બે માસનો સમય લાગ્યો હતો. આ પ્રકારના દરવાજા, નકશી, કોતરણી કામ માત્ર પંચાલ લોકો જ કરી શકે છે. જેઓ અમદાવાદ, મુંબઇ ખાતે વસે છે. દરવાજાના કામ માટે અમદાવાદથી 8 કારીગર બોલાવવામાં આવ્યા હતા. દિવસ-રાત 60 દિવસ કામ ચાલ્યું હતું. આગામી દિવસોમાં પણ સમયાંતરે સોના-ચાંદીની જરૂર મુજબ વપરાશ કરવામાં આવે છે.
ગુજરાતમા એક માત્ર રાજકોટના માંડવી ચોકમા આશરે સવા કરોડની કિંમતના 250 વર્ષ જૂના રિયલ ડાયમંડની આંગી કરવામા આવે છે. જીતુભાઇના જણાવ્યા મુજબ આજ રોજ સાંજે ચાર વાગે આંગી દર્શન થાય છે. મૂર્તિ ઉપર ચાંદીના વરખ લગાવી તેના પર સુખડના ભૂકાનો લેપ કરી અને રીયલ ડાયમંડ અને મોતી ચોટાડવામાં આવે છે. તેને ખોભરૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં રિયલ ડાયમંડની આંગી કરવામાં આવે છે. ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આદેશ્વર ભગવાનની પૌરાણીક પ્રતિમા, 3500 વર્ષ જૂની આબુના પહાડમાંથી મળી હતી. હજુ પણ સોના-ચાંદીનું કામ ચાલુ છે. મંદિરના અમુક ભાગમાં વાપરવા અને મૂર્તિમાં લગાડવાના સોના માટે ગ્લેટનું કામ ચાલી રહ્યું છે. એ સિવાય દેરાસરમાં રહેલી આદેશ્વર ભગવવાની 3500 વર્ષ જૂની પૌરાણિક પ્રતિમા બિરાજમાન છે. જે તે સમયે આબુના પહાડમાં મળી આવી હતી.