ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, જાણો તમામ વિગતો
એ ગ્રુપનું સરેરાશ પરિણામ 77.29 ટકા નોંધાયું છે. જે બી ગ્રુપ કરતાં વધુ છે. બી ગ્રુપનું સરેરાશ પરિણામ 69.77 આવ્યું છે. એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપમાં એ-1 ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. એ ગ્રુપમાં 95 છાત્રોએ એ-1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે જ્યારે બી ગ્રુપમાં આ સિધ્ધિ માત્ર 41 વિદ્યાર્થીઓને જ મળી છે.
એ ગ્રુપમાં નોંધાયેલા 57660 પૈકી 44,545 છાત્રો પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થતાં સરેરાશ 77.29 ટકા પરિણામ નોંધાયું છે જ્યારે બી ગ્રુપનું સરેરાશ પરિણામ 69.77 ટકા આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં વિષયવાર પરિણામની વિગતો જોઇએ તો જીવવિજ્ઞાને છાત્રોને રડાવ્યા જેવો માહોલ છે. જીવવિજ્ઞાનનું સૌથી નીચું 72.44 ટકા પરિણામ નોંધાયું છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની વાત કરી એ તો પર્સન્ટાઇન રેન્ક (પીઆર)માં બી ગ્રુપના છાત્રો વચ્ચે વધુ તીવ્ર જંગ દેખાઇ રહ્યો છે. 99થી વધુ પીઆર રેન્કમાં એ ગ્રુપના 629 અને બી ગ્રુપના 770 છાત્રો નોંધાયા છે.
રાજ્યમાં આ વખતે સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.03 ટકા નોંધાયું છે. ગત વર્ષે સૌથી વધુ પરિણામ બોટાદ જિલ્લામાં નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 35.64 ટકા નોંધાયું છે.
અમદાવાદના પરિણામની વાત કરીએ તો આ વખતે ગ્રામ્યએ મેદાન માર્યું છે. શહેરી વિસ્તારનું સરેરાશ 75.24 ટકા નોંધાયું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારનું સરેરાશ પરિણામ 82.17 ટકા આવ્યું છે.