Happy Birthday: ભારતમાં નહીં પરંતુ આ દેશમાં થયો હતો દીપિકાનો જન્મ, અભિનયની સાથે આ ખેલમાં પણ છે પારંગત
દીપિકા બેંગ્લુરુની રહીશ છે. કેટલાક લોકોને એવું લાગે છે કે તેનો જન્મ ત્યાં થયો છે, તો કેટલાક સમજે છે કે તેનો જન્મ મુંબઈમાં થયો છે. પરંતુ દીપિકાનો જન્મ ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં થયો હતો.
કેટલાક લોકોને લાગે છે કે દીપિકાની પહેલી ફિલ્મ શાહરૂખ સાથેની ઓમ શાંતિ ઓમ છે પરંતુ તેણે કન્નડ સિનેમા દ્વારા અભિનયની દુનિયામાં પગલું મૂક્યું હતું. તેની પહેલી ફિલ્મ એશ્વર્યા હતી. જે 2006માં રિલીઝ થઈ હતી.
દીપિકાની કરિયરમાં ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયાએ મોટી ભૂમિકા ભજવી હતી. હિમેશે દીપિકાને પોતાના આલ્બમ આપ કા સુરુરમાં લોન્ચ કરી હતી. આ આલ્બમના ગીત નામ હૈ તેરામાં તે જોવા મળી હતી. ગીત જોઈને ફરાહે તેને પોતાની ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં તક આપી. આ ફિલ્મમાં દીપિકાનો અવાજ નહતો લેવાયો. તેની જગ્યાએ અવાજ ડબ કરાયો હતો.
દીપિકા બેડમિન્ટન રમવામાં એક્સપર્ટ છે. તે રાષ્ટ્રીય સ્તરે પણ બેડમિન્ટન રમી ચૂકી છે. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ આંતરરાષ્ટ્રીય સ્તરના બેડમિન્ટનના ખેલાડી રહી ચૂક્યા છે. દીપિકા રાજ્ય સ્તર પર બેસબોલ પણ રમી ચૂકી છે. જો કે બધુ છોડીને તેણે મોડેલિંગ શરૂ કરી દીધુ હતું અને તેમાં ખુબ નામ કમાયું હતું. મોડેલિંગ અને ફિલ્મોમાં કરિયર બનાવવા માટે દીપિકાએ કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો.
દીપિકાની તમે અનેક સફળ ફિલ્મો જોઈ હશે પરંતુ તમને ભાગ્યે જાણતા હશો કે 2013માં દીપિકાએ રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નાઈ એક્સપ્રેસ, અને ગોલીયો કી રાસલીલા રામલીલા, જેવી એક પછી એક 4 જેટલી સફળ ફિલ્મો આપી જે 100 કરોડી ફિલ્મો હતી. આ ચારેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી.
દીપિકા આજકાલ ફિલ્મ ફાઈટર અંગે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની જોડી પહેલીવાર ઋતિક રોશન સાથે બની છે. પ્રભાસ સાથે પેન ઈન્ડિયાની ફિલ્મ કલ્કિ 2898AD અને સિંઘમ 3 પણ ચર્ચામાં છે.