ગુજરાતનો આ દરિયા કિનારો છે ખુબ જ પ્રખ્યાત, પરંતુ ગણાય છે `ભૂતિયો બીચ`
અરબી સમુદ્રથી જોડાયેલો આ બીચ સુરત શહેરથી 21 કિમીના અંતરે છે. અહીંની રેતી સફેદ નથી પરંતુ કાળી છે. આ બીચના ઈતિહાસ સાથે કોઈ રાજા કે રાણીની પ્રેમકથા જોડાયેલી નથી. બીચ પાસે ગણેશજીનું મંદિર છે. દરિયા કિનારે ખાણીપીણીની દુકાનો પણ છે. વેકેશન માટે આમ તો પોપ્યુલર પ્લેસ છે. અહીં આવનાર પ્રવાસીઓ માટે આ એક હોલીડે પોઈન્ટ છે. (તસવીર સાભાર-ગુજરાત ટુરિઝમ)
દિવસે સ્વર્ગનો આભાસ કરાવે એવો આ બીચ રાત પડે ત્યારે ભેંકાર બની જાય છે. આ બીચ ભારતના મોસ્ટ હોન્ટેડ પ્લેસની યાદીમાં આવે છે. એવું પણ કહેવાય છે કે જેમણે આ બીચ પર રાત રોકાઈને એક અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો તેમની સાથે કઈંક અજુગતું બનેલું છે.
આ બીચ બે વસ્તુ માટે પ્રખ્યાત છે. એક તો તેની કાળી રેતી, બીજુ ભૂતિયા બીચ તરીકેની તેની ઓળખ. એવું કહેવાય છે કે ડુમ્મસ બીચ એક સમયે સ્મશાન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. જેના કારણે અનેક પ્રેતાત્માઓ ત્યાં ભટકે છે. કેટલાકનું એવું પણ કહેવું છે કે ત્યાં મૃતદેહોને બાળવાના કારણે જે રાખ રહી ગઈ તેના કારણે બીચની રેતી કાળી છે. જે ત્યાંની સફેદ રેતી સાથે ભળી અને પછી ડાર્ક શેડની રેતી બની ગઈ.
બીચની આજુબાજુનો વિસ્તાર ખુબ સુંદર છે. પરંતુ ક્યાંક તો તમને તે હોન્ટિંગ ફિલ કરાવે છે. એવું કહેવાય છે કે અનેક લોકોએ અહીં અસાધારણ ગતિવિધિઓનો અનુભવ કર્યો છે. એકલા ફરવાની અહીં મનાઈ છે. ડુમ્મસ બીચને બળતો દરિયો પણ કહેવાતો કારણ કે ત્યાં સ્મશાન હોવાથી મૃત શરીરને બાળવામાં આવતા હતાં. એવું પણ કહેવાય છે કે દરિયા કાંઠેથી ભયાનક ચીસો, કોઈના રડતા હોવાનો અવાજ પણ સંભળાયો છે. લોકોને પોતાની આસપાસ કોઈ હોવાનો આભાસ થયો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અનેક પ્રવાસીઓ અને સ્થાનિકો ત્યાંથી ગુમ થયેલા છે.