PICS: મુંબઈમાં ભારે વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા, ફ્લાઈટ ડાઈવર્ટ કરાઈ
આજે બપોરે ભારે વરસાદે મુંબઈને ધમરોળી નાખ્યું. ભારે પવન સાથે પડેલા મૂસળધાર વરસાદથી અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયાં. એવું અનુમાન હતું કે મુંબઈમાં ભારે વરસાદ રોકાશે નહીં પરંતુ થોડીવાર બાદ વરસાદ રોકાઈ ગયો હતો. તાજી માહિતી મુજબ હિંદમાતા, લોઅર પરેલ, દાદર, પરેલ, સાયન જેવા વિસ્તારોમાં વરસાદ રોકાઈ ગયો છે. જો કે આજે તો ચોમાસાનો પહેલો દિવસ છે. પરંતુ કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવવાના શરૂ થઈ ગયા છે.
મુંબઈના કુર્લા વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યા જોવા મળે છે. આ વર્ષે ચોમાસાના પહેલા જ દિવસે આ નજારો જોવા મળી રહ્યો છે
હવામાન ખાતાએ 9, 10, 11 તારીખે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મુંબઈમાં પ્રી મોનસૂન વરસાદે લોકોને તો ભીંજવી જ નાખ્યાં સાથે સાથે રસ્તાઓ ઉપર પણ ગંગા યમુના વહેવાની શરૂ થઈ ગઈ.
હાલત એ હતી કે વરસાદના કારણે મુંબઈના સાયન રોડ, દાદાર ટીટી, અને હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં. હિંદમાતામાં ગાડીઓ પાણીમાં ડૂબેલી જોવા મળી.
ઝી મીડિયાએ જ્યારે આ અંગે હવામાન ખાતાના અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે મુંબઈમાં વરસી રહેલો વરસાદ હજુ સુધી પ્રી મોનસૂન છે.
આગામી 48 કલાકમાં સંપૂર્ણ રીતે ચોમાસુ બેસી જશે. મળતી માહિતી મુજબ મુંબઈમાં વરસેલા ભારે વરસાદના કારણે સાવચેતીરૂપે એક ઈન્ટરનેશનલ ફ્લાઈટને મુંબઈથી અમદાવાદ ડાઈવર્ટ કરી દેવાઈ છે. જેટ એરવેઝની ફ્લાઈટ (9W-117) જે લંડનથી મુંબઈ આવી રહી હતી તેને અમદાવાદ મોકલી દેવાઈ.
હાલ ચોમાસુ ગોવા પહોંચ્યું છે. આ સાથે જ હવામાન ખાતા, બીએમસી અને અન્ય સરકારી એજન્સીઓ તરફથી ચેતવણીઓ પહેલેથી જ જારી કરી દેવાઈ છે કે આગામી 9થી 11 તારીખ સુધીમાં મુંબઈમાં ભારે વરસાદ વરસી શકે છે.