વડોદરામાં બની ગુજરાતની પહેલી હાઈટેક ઓપન જેલ, કેદીઓ માટે છે ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા
જેલમાં એક ગૌ શાળા પણ બનાવાઈ છે. સરકારે 2015 માં ઓપન જેલ બનાવવાની દરખાસ્ત મંજુર કરી હતી. જેના બાદ 5 વર્ષમાં આ ઓપન જેલ તૈયાર થઈ છે. આ હાઈટેક જેલમાં મેડિટેશન હોલ, લાઈબ્રેરી, ક્લોથીંગ સ્ટોર અને લોન્ડરી સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. તો જેલ બહાર ગુજરાતનો સૌથી પહેલો કેદી સંચાલિત પેટ્રોલ પંપ પણ તૈયાર કરાયો છે જેમાં કેદીઓ જ સેવા આપી રહ્યા છે.
જેલમાં જ વિવિધ પાકોનું વાવેતર પણ કરવામાં આવે છે. જે જેલના કેદીઓ માટે ઉપયોગમાં લેવાય છે. ઓપન જેલમાં જે કેદીઓનો સજા દરમિયાન વ્યવહાર સારો હોય તેમને તેવા કેદીઓને રાખવામાં આવે છે. સરકારે ઓપન જેલમાં સુપ્રિટેન્ડન્ટ સહિતના સ્ટાફની નિમણૂંક પણ કરી દીધી છે. જેલમાં જ સ્ટાફ અને કેદીઓને અનાજ, શાકભાજી, દૂધ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે.
ઓપન જેલના સુબેદાર ચંદન સિંહ જાદવ આ વિશે જણાવે છે કે, જેલમાં તમામ પ્રકારની સુવિધા છે. રસોડું , જીમ, સહિતની સુવિધા કેદીઓ માટે બનાવાઈ છે. સાથે જ ઓપન જેલ તૈયાર કરી કેદીને રાખવાનો ઉદ્દેશ છે કે કેદીઓને માનસિક શાંતિ મળે અને તેમના આયુષ્યમાં વધારો થાય.