Holi 2021: પરિવાર સાથે આ રીતે મનાવી શકો છો હોળી, મજા થઈ જશે ડબલ
આ વખતની હોળી પર પરિવારના સભ્યો સાથે મળીને અલગ અલગ પકવાન બનાવી શકો છો. પકવાન બનાવવામાં બાળકોને પણ સાથે રાખો જેથી તેમને પણ મજા પડે. બાળકો નાના હોવાથી વધારે મદદ તો નથી કરી શકતા પણ ડિશ રેડી કરવામાં ચોક્કસથી મદદ કરશે. હોળીના થોડા દિવસ પહેલાં ચેવડા, મઠરી, ગુજિયા વગેરે જેવી સામગ્રી બનાવવાની શરૂ કરવામાં આવે છે. આ ઉપરાંત તહેવારના દિવસે કેટલાક સ્પેશિયલ વ્યંજન તૈયાર કરવામાં આવે છે. ત્યારે જો આ તમામ કાર્ય તમે હોળીના તહેવારે પરિવાર સાથે મળીને કરશો તો જરૂરથી મજા પડી જશે.
હોળીના દિવસે ઘરની અંદર અને બહાર ડેકોરેશન પણ કરી શકો છો. આમ કરવાથી બે ફાયદા થશે. પહેલો ફાયદો એ કે ઘણા બધા રૂપિયા બચી જશે. અને બીજો ફાયદો એ કે, પરિવાર સાથે ડેકોરેશનની એક્ટિવિટી કરવાની મજા પડી જશે. મહેનતથી સજાવટ માટે બનાવેલી વસ્તુઓને જાતે ડેકોરેટ કરશો તો તમારી ખુશી ડબલ થઈ જશે.
હોળીના દિવસે આપણે સૌ નવા કપડા પહેરવાનું ટાળીએ છીએ અને જૂના કપડા પહેરીને હોળી મનાવીએ છીએ. ત્યારે આ વખતે જૂના કપડાને એમ જ પહેરી લેવાના બદલે એક નવું રૂપ આપવાનો પ્રયાસ કરો. જૂના કપડામાં કોઈ લેસ કે રિપ્ડ ડિઝાઈન એડ કરી શકો છો. પછી જ્યારે તમે આ કપડાને પહેરશો તો સારા તો લાગશો જ પણ સાથે તમારો મૂડ પણ હેપ્પી રહેશે.
મ્યૂઝિક વગર કોઈ પણ ફંક્શન અધૂરું જ લાગે છે. ત્યારે હોળીમાં આ વખતે ભલે રંગોથી દૂર રહેવાનું હોય પણ મ્યૂઝિકની મજા તો માણી જ શકાય. માટે પોતાના અને ફેમિલીના ફેવરિટ સોન્ગને એક પેનડ્રાઈવમાં ઈન્સ્ટોલ કરીને કે પછી ફોનમાં પ્લે લિસ્ટ તૈયાર કરી લો. આ સોન્ગને ત્યારે પ્લે કરો જ્યારે રંગોથી હોળી રમવાની તૈયારી કરી રહ્યા હોવ. બ્રેકગ્રાઉન્ડમાં વાગેલા સોન્ગ તમારા ઓલઓવર મૂડને જબરજસ્ત બૂસ્ટ આપશે.
રંગોથી હોળી મનાવી લીધા બાદ, ભોજનનો કાર્યક્રમ પતાવ્યા બાદ, આરામ પણ કર્યા બાદ હવે શું કરશો? ત્યારે તમે ગેમ રમી શકો છો. તમે ગેમની પહેલાથી જ પ્લાનિંગ કરી રાખો જેથી એવું ન બને કે તમે વિચારતા જ રહી જાવ અને સાંજનો માહોલ મિસ થઈ જાય. ગેમ્સમાં પૈસા કે નશીલી વસ્તુઓનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખજો. કારણ કે, માહોલ બગડવાની આશંકા વધી જાય છે.