ડાકોરના ઠાકોરના દર્શન કરી ધન્ય થયા ભક્તો : ફાગણી પુનમની મંગળા આરતીના દર્શન માટે ભીડ ઉમટી
)
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમની ધામધુમ પુર્વક ઉજવણી શરૂ થઇ ગઇ છે. વર્ષોથી ફાગણી પુનમે યાત્રાધામ ડાકોર ખાતે પગપાળા આવતા ભક્તો વહેલી સવાર ચાર વાગ્યાની મંગળા આરતી કરવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આજના દિવસની મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા.
)
સવારે 4 વાગ્યે મંગળા આરતી શરૂ થઇ હતી. જે દરમ્યાન મંદિરના દરવાજા ખુલતાની સાથે હજ્જારો ભક્તોના ટોળે ટોળા મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મંગળા આરતી સમયે મંદિર ના ઘુમ્મટમાં ભક્તોએ રંગોની છોળ ઉડાડી હતી.
)
લાખ્ખોની સંખ્યામાં આવેલ ભાવિક ભક્તોને મંદિર પ્રશાસન દ્વારા હોળીની શુભકામના પાઠવવા આવી હતી. જ્યારે ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને ખેડા જીલ્લા પોલીસ વિભાગ દ્વારા ફાગણી પુનમ નિમિત્તે ડાકોર મંદિર પર સૌપ્રથમ મંદિર પર ધ્વજા ચઢાવવામાં આવી હતી. દર વર્ષે ખેડા જિલ્લા વહીવટી વિભાગ અને ખેડા જિલ્લા પોલીસ વિભાગ ની ધ્વજા સૌપ્રથમ ચઢાવ્યા બાદ જ અન્ય ભક્તોની ધ્વજા મંદિરમાં ચઢાવાતી હોય છે.
છેલ્લા ચાર દિવસથી પગપાળા યાત્રા કરી રહેલા આ ભાવિક ભક્તો આજે મંગળા આરતીના દર્શન કર્યા બાદ ઘર તરફ પરત ફરશે. ત્યારે સમગ્ર ડાકોર ગામ જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠશે.
ખેડા જિલ્લા કલેક્ટર પ્રકાશ કુમાર યાદવે જણાવ્યું કે હોળી ઉત્સવનો પાંચ દિવસનો કાર્યક્રમ ડાકોર મુકામે આજે સંપન્ન થવા જઈ રહ્યો છે. ત્યારે સતત એક અઠવાડિયાથી મોનિટરિંગ કરતા જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ અને રેવન્યુ સહિત સેવક ભાઈ બહેનોનો આભાર માન્યો હતો. અંદાજિત આ પાંચ દિવસ દરમિયાન દસ લાખથી વધુ ભાવિક ભક્તો રાજાધિરાજના દરબારમાં શીશ નમાવ્યું છે.
જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાળ જણાવ્યું કે સમગ્ર પોલીસ બંદોબસ્ત ડાકોરમાં આઠ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેડિકલ ટીમ પણ હાજર હતી. મંદિર બહાર જ સીસીટીવી કંટ્રોલરૂમ પણ ઊભું કરાયું હતું. જેનાથી સતત 24 કલાક મોનિટરિંગ કરવામાં આવતું હતું. એસઆરપી જવાનના હાર્ટએટેક મોત મામલે પણ તેમને દુઃખ વ્યક્ત કર્યું હતું અને સમગ્ર જિલ્લા પોલીસ બેડા શોક મગ્ન બન્યો છે.
જ્યારે બીજી તરફ ભાવિક ભક્તોએ પૂનમના મંગળાઆરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે મંગળાઆરતી હોય આગલી રાતથી જ ડાકોરમાં ધામા નાખી દીધા હતા. અને સવારે મંગળા આરતી સમયે ભક્તો મંદિરના દ્વારે પહોંચી ગયા હતા તેમ વડોદરા ખાતેથી આવતા ભાવિક ભક્તે જણાવ્યું છે.
આ સમયે ડાકોરનુ કવરેજ કરવા આવેલા સૌ પત્રકારોએ પણ ડાકોરના ઠાકોરની ધજા ચઢાવી ભાવવિભોર બન્યા હતા. શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી 'જય રણછોડ'ના નાદ સાથે ભગવાનને ધજા અર્પણ કરાઈ હતી. સર્વ પત્રકારોએ લોક કલ્યાણ અર્થે પ્રાથર્ના કરી હતી.