ભરૂચ હાઈવે બન્યો લોહીયાળ, ટ્રકમાં ઈકો કાર ઘૂસતા એકસાથે 6 ના દર્દનાક મોત, પતરા કાપી મૃતદેહ બહાર કઢાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના એક જ પરિવારના લોકો ભરૂચના શુક્લતીર્થના મેળામાં ઈકો કારમાં સવાર થઈને ફરવા ગયા હતા. મેળાથી પરત ફરતા સમયે મંગણાદ પાસે હાઈવે પર એક ટ્રક ઉભી હતી. તેમાં ઈકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અંદર બેસેલા લોકોની ચીસોથી આસપાસના લોકો હચમચી ગયા હતા અને તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. જોકે, ઈકો કાર એટલી હદે પડીકુ વળી ગઈ હતી કે, પતરા ચીરીને લોકો બહાર કઢાયા હતા. આ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, તો ચાર ઘાયલ થયા હતા.
તો બીજી તરફ, મંગળવારે સવારે નેશનલ હાઇવે ૪૮ પીપોદરા નજીક વહેલી સવારે અમદાવાદથી મુંબઈ તરફના માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકને ઝોકું આવતા કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. કારમાં સવાર પરિવાર વલસાડના પારડી ગામનો રહેવાસી હતો. કાર ચાલકને ઝોકું આવી જતા ઘણાં અંતર સુધી કાર ડિવાઈડર પર દોડી હતી. જોકે સદનસીબે કાર માં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. કારમાં બાળકો, મહિલા સહિત 8 જેટલા પરિવારના લોકો સવાર હતા.