શ્રીજીના વધામણા: કેવી રીતે બનાવવામાં આવે છે ઇકો-ફ્રેન્ડલી ગણેશ, તસવીરોમાં નિહાળો દુંદાળા દેવના નવા રંગરૂપ
અમદાવાદ શહેરમાં મહારાષ્ટ્ર કુડાલ ગામના અને ત્રણ પેઢીથી અમદાવાદમાં સ્થાયી થયેલા વિજયભાઇ નાઇકની ત્રીજી પેઢી માટીના એટલે કે ઇકો-ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓનું સર્જન કરી રહી છે. તેમના દાદાએ 84 વર્ષ પહેલા ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી જેને તેમણા પ્રપૌત્ર વિજયભાઇ આગળ ધપાવી રહ્યા છે.
પર્યાવરણ અને આરોગ્ય બંનેને ઉત્તમ રાખવા ઇકો ફ્રેન્ડલી (માટીના) ગણપતિનું સ્થાપન જ શ્રેષ્ઠ વિકલ્પ છે. કોરોનાકાળમાં આપણે સ્વાસ્થય અને પ્રકૃતિ બંનેનું મહત્વ સમજ્યા છીએ ત્યારે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ મહત્વનું છે. ત્યારે જ આપણને શ્રેષ્ઠત્તમ વાતાવરમાં ઓક્સિજન, શુધ્ધ પાણી અને હવા મળી રહે અને જેના થકી આરોગ્યપ્રદ જીવન જીવી શકાય.
તેઓ જણાવે છે કે પી.ઓ.પી.ની સરખામણીમાં ઇકો-ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિ બનાવવામાં મહેનત-મજૂરી વધારે છે, લેબર કોસ્ટ વધારે આવે છે, છતાં પણ પ્રકૃતિના સંવર્ધનને કેન્દ્ર સ્થાને રાખીને અમે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું નિર્માણ કરીએ છીએ. દરિયાકાંઠે રહેલી ખાણના 100-150 ફૂટ ઉંડાણ માંથી નીકળતી માટી જેને ફાયર ક્લે તરીકે ઓળખવામાં આવે છે. જે માટીને ગ્રાઇન્ડીંગ કરીને મૂર્તિ નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
રોટલી બનાવવાનો લોટ જેવો જ પાવડર બનાવીને તેને પાણીમાં મિશ્ર કરવામાં આવે છે. ત્યારબાદ તેનો ઉપયોગ ગણપતિની મૂર્તિ બનાવવામાં થાય છે. માટીની 2 ફૂટનો મૂર્તિને બનાવવામાં અંદાજિત ત્રણ દિવસ જેટલો સમય લાગે છે, પરંતુ અમારા તમામ કારીગરો સંપૂર્ણપણે શ્રદ્ધા અને આસ્થા સાથે ઉત્તમ સ્વાસ્થ્ય અને પ્રકૃતિના જતન માટે સંકલ્પ બધ્ધ થઇને ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું નિર્માણ કરે છે. અમારા ત્યાના બનાવટની મૂર્તિઓ જાફરાબાદ, અંબાજી. મહેસાણા, રાજકોટ, ઉના જેવાં શહેરોમાં મોકલવમાં આવે છે. ક્લે મોડલિંગ મૂર્તિમાં હાથ અને ડોકની મજબૂતીમાં નારિયેળના રેસાનો ઉપયોગ થાય છે. જેનાથી મૂર્તિને મજબૂતી મળે છે.
પી.ઓ.પી.ની મૂર્તિઓની સરખામણીમાં માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાનથી બચાવે છે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળી જાય છે, ઇકો ફ્રેન્ડલી ગણપતિને સુંદર બનાવવા માટે કાચા અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પાણીના દૂષિત થવાનો અને અન્ય કોઇપણ પ્રકારની બીમારી ફેલાવવાનો ભય ઓછો રહે છે, પીઓપી અને પ્લાસ્ટિકની મૂર્તિઓમાં હાનિકારક કેમિકલથી બનેલા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
આ રંગો સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. જ્યારે પી.ઓ.પી.માંથી બનાવેલી મૂર્તિનું વિસર્જન કરવાથી પાણીની ગુણવત્તા બગડે છે, મૂર્તિઓના રાસાયણિક રંગોથી પાકને પણ ઘણી અસર થાય છે. દૂષિત પાણીથી ઉગાડવામાં આવતા શાકભાજીની સાથે સાથે હાનિકારક તત્વો પણ ઘર ઘર સુધી પહોંચે છે, આ ગણેશોત્સવે પર્યાવરણનું જતન કરવા ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવા સંકલ્પબદ્ધ બનીએ.