યાહા મોગી માતાજીના ચરણોમાં અર્પણ કરેલો પ્રસાદ મળશે તો ઘરમાં ક્યારેય ખૂટશે નહી અનાજનો ભંડાર

Sat, 09 Mar 2024-4:30 pm,

ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે, જ્યાં જુદા-જુદા ધર્મો, બોલી-ભાષા, પોશાક, ખોરાક, રિવાજો સહિત તહેવારોમાં પણ ભિન્નતા જોવા મળે છે. ભિન્નતાઓ હોવા છતા લોકોમાં પ્રેમ, સન્માન, ત્યાગ અને બલિદાનની ભાવના અને ભાવાત્મક એકતા જોવા મળે છે. આ જ એકતા આપણી સંસ્કૃતિની ઓળખ છે. 

અહીંના લોકોમાં સાંસ્કૃતિક એકતા પણ જોવા મળે છે, આ એકતાના મૂળ લોકઉત્સવો અને લોકમેળામાં રહેલા છે. ગુજરાતમાં પણ ઉત્સવો અને લોકમેળાઓની દબદબાભેર ઉજવણી થાય છે, આવા મેળાઓ અને ઉત્સવોમાં મનુષ્ય પરસ્પર આનંદની વહેંચણી કરે છે. લોકોના જીવનમાં આનંદ, ઉલ્લાસ અને ચેતનાના રંગછાંટણા નાખી લોકહૈયાને હિલોળે ચડાવનાર તમામ મેળાઓ સદાયે મોખરે રહ્યાં છે.

અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતુ નર્મદા જિલ્લાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ વિશ્વફલક પર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. પરંતુ નર્મદા જિલ્લાની આ ભૂમિ અદભૂત અને અલૌકિક પણ છે. આ ભૂમિ લોકોની આસ્થા સાથે જોડાયેલી છે. 

આદિવાસી સંસ્કૃતિ, કલા, રીતરિવાજો અને પરંપરાઓએ પોતાની આગવી ઓળખ બનાવી છે. ગુજરાતમાં કુલ ૧૫૨૧ મેળાઓ ભરાય છે, જેમાં ૨૮૦ જેટલા આદિવાસી મેળાઓ થાય છે. પરંતુ દેવમોગરા ખાતે યોજાતા પાંડુરી માતાનો મેળો આદિવાસી સમાજ માટે વિશેષ અને લોકપ્રિય છે.

સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડુરી માતા, જેઓ યાહા મોગી તરીકે પણ ઓળખાય છે. તેમના સાનિધ્યમાં દર વર્ષે પાંચ દિવસ માટે આ મેળો મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાય છે. મહાશિવરાત્રી એટલે શિવને ભજવાનો મહા અવસર. પરંતુ આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થાય છે. 

સંપૂર્ણ ભારતવર્ષમાં માત્ર "દેવમોગરા" મેળામાં ભગવાન શિવની નહીં પરંતુ શક્તિની પુજા થાય છે. દેવમોગરાની પાવન ભૂમિ પર ચાલુ વર્ષે ૮મીથી ૧૨મી માર્ચ દરમિયાન આ મેળો ચાલશે. ગુજરાતના વિવિધ શહેરો-ગામો સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ યાહા મોગી, મા પાંડુરીના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે. 

દેવમોગરાનો મેળો આદિવાસી સમાજ માટે એક પવિત્ર યાત્રા છે, પાંડુરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. ભક્તો પોતાના દુ:ખ, સમસ્યાઓ દુર કરવા શક્તિની આરાધના સમા પાંડોરી માતાની બાધા રાખે છે, અને માતાજી તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. 

શ્રદ્ધાળુઓ નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનેલી ટોપલીમાં નવું તૈયાર થયેલું અનાજ સહીત માનેલી માનતા આધારિત ચીજ-વસ્તુઓ લાવી પરંપરાગત પૂજા-અર્ચના કરે છે. માતાજીના ચરણોમાં નૈવેદ્ય સ્વરૂપે ધન, ધાન્ય અર્પણ કરવામાં આવે છે. 

આદિવાસીઓની અનોખી માન્યતા પ્રમાણે યાહા મોગી માતાને ત્યાંથી ધાન્ય પ્રસાદરૂપે લઈ જઈ ખેતરમાં વાવી તથા અનાજના કોઠારમાં રાખે છે. આમ, કરવાથી બારે માસ અનાજ ખુટતુ નથી તેવી અનોખી માન્યતા રહેલી છે.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ રેન્ક સહિત પોલીસ વિભાગ સાથે સંકળાયેલા નર્મદા પોલીસના જવાનો અને મંદિરના ૪૦૦ સ્વયંસેવકો ખડેપગે ફરજ અદા કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link