અમદાવાદ ફ્લાવર શોમાં જઈને શું શું જોશો? આ રહી ટિકિટથી લઈને તમામ માહિતી
'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫’ના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને મુખ્યમંત્રીશ્રી સહિત સૌએ અત્યંત બિરદાવ્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિની અને પ્રકૃતિની સુંદરતાનો સંગમ એટલે અમદાવાદ ખાતે આયોજિત વિશ્વકક્ષાનો ફ્લાવર શો. આ વાર્ષિક રંગોત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે એટલું જ નહીં પરંતુ અગણિત યાદો સાથે લઈને જાય છે. કારણ કે ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીગીરીથી સજ્જ છે. અહીંયા મુલાકાતી મંત્રમુગ્ધ ન થાય તો જ નવાઈ.
આ ફ્લાવર શો એક સુશોભન પ્રદર્શન સુધીની તક સીમિત ન રાખતા પર્યાવરણીય જાગૃતિ અને સસ્ટેનિબિલિટી અંગે પણ ખુબ જ કારગર સાબીત થાય છે. અમદાવાદ શહેર જૈવવિવિધતા અને ઇકોફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. આ સિવાય જે પણ નાગરિકો પર્યાવરણ અંગે જાગૃત છે અથવા જાગૃતિ ફેલાવે છે તેમને આ ફ્લાવર શોમાં ભાગીદાર બનાવીને પ્રોત્સાહન પણ પૂરૂ પાડવામાં આવે છે. પરિણામ સ્વરૂપે ફ્લાવર શો ફક્ત એક ફ્લાવર શો પૂરતો સિમિત ન રહેતા બહુહેતુક પ્રોજેક્ટ બની ગયો છે.
અહીંયા સંસ્કૃતિની ગાથા છે સાથે સાથે પ્રકૃતિનુ સંવર્ધન છે. ફ્લાવર શોમાં હરિયાળા ભારતનું બીજ રોપવામાં આવ્યું છે, તેમજ ભવિષ્યને પણ હરિયાળુ બનાવવાનો એક ઉત્કૃષ્ટ પ્રયાસ છે. આ વર્ષે ખાસ રૂપે ઓડિયો ગાઈડ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ સ્થળ પર કયુઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી મેળવી શકાશે. આ વર્ષે ખાસ સ્વરૂપે સોવેનિયર શોપ રાખવામાં આવ્યા છે, જે આવનાર મુલાકાતીઑને એક સુંદર ભેટ સાથે લઈ જવાની તક સાંપડે છે. તદઉપરાંત આ વર્ષે પણ દર વર્ષની જેમ નર્સરી, અન્ય અને ફૂડ સ્ટોલ મુલાકાતીઑના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
વર્ષ ૨૦૨૪ના ફ્લાવર શૉમાં અંદાજિત ૨૦ લાખથી વધુ લોકો એ મુલાકાત લીધી હતી. આ વર્ષના આયોજનને ધ્યાનમાં રાખતા તેનાથી વધારે લોકો મુલાકાત લેશે એવું અપેક્ષિત છે. ગત વર્ષ ફ્લાવર શૉ એ ૪૦૦ મિટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૫' આ વખત ૬ ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ ૧૦ લાખથી વધુ ફૂલ, ૫૦થી વધુ પ્રજાતી તેમજ ૩૦થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે
ઝોન-૧ દેશની વૃદ્ધિ અને વિકાસ પર છે.*આ ઝોનમાં ભારતની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળા ભવિષ્યને વિભિન્ન પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક રીતે દર્શાવવામાં આવ્યું છે. હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચીસ, કેનોપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુ-શાસનના ૨૩ વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે.
ઝોન -૨ સર્વ સમાવેશીપણું અને સસ્ટેનીબીલિટી પર છે. જેમાં ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથે સસ્ટેનિબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનોની સુંદર રજૂઆત કરવામાં આવી છે. વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ, ઍશિયાટિક સિંહ અને કેન્યોન વોલ આ ઝોનના આકર્ષણનું કેન્દ્ર છે.
ઝોન ૩ સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ પર છે. ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાના નિવારણમાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે ત્યારે તેનું પ્રદર્શન આ ઝોનમાં કરવામાં આવ્યું છે. બટરફ્લાય, સીગલ (Seagull), મરમેઇડ ( Mermaid ) અને ફ્લાવર ફોલ વોલ્સ આ ઝોનને વિશિષ્ટ બનાવે છે.
ઝોન ૪માં સંસ્કૃતિ અને વારસો જોવા મળશે. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનુ સુંદર પ્રદર્શન તેમજ તેમાં ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ જોવા મળશે. બૃહદીશ્વર મંદિર, નંદી, માનસ્તંભ, યુનેસ્કો ગ્લોબ અને ગરબા આપણાં સ્વર્ણિમ ઈતિહાસ અને સંસ્કૃતિની પ્રતિકૃતિ કરાવે છે.
ઝોન ૫માં ફ્લાવર વેલી જોવા મળશે. ભારતની પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શન કરતા આ ઝોનમાં હોર્નબિલ અને ફ્લાવર વેલી આના વિશેષ આકર્ષણ છે.
ઝોન ૬માં ભારતના ભવિષ્યનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભારત આજે વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે, ત્યારે જન જનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમજ વિશ્વનુ નેતૃત્વ કરવા માટે ભારત તૈયાર છે. એવી આશાઓ જગવતું પ્રદર્શન આ ઝોનમાં જોવા મળશે. ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની, ગાંધીજીના ત્રણ વાંદરા, વસુધૈવ કુટુંબકમ - ધ યુનિટી બ્લોસમ, મિશન થ્રી મિલિયન ટ્રીઝ - એક પેડ મા કે નામ, ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ઉજ્જવળ ભારતની ભ્રાંતિ કરાવે છે.
સૌથી ખાસ વાત એ પણ છે કે, ગત વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમ્યાન તેમણે સૂચવેલા સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષે જનભાગીદારીનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ ઘણા સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી એકમો આ ફ્લાવર શૉમાં ભાગીદાર બન્યા છે.