આ તસવીરો જોવાની હિંમત હોય તો જોજો! પાણીમાં ડૂબેલા વડોદરાના દર્દનાક દ્રશ્યો, બધુ ખેદાન મેદાન
એ કહેવું ખોટું નથી કે વડોદરા શહેર હાલ મોટી હોનારતનો સામનો કરી રહ્યું છે. વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરના પાણીએ વડોદરા શહેરમાં તબાહી મચાવી દીધી છે. શહેરમાં વરસાદ તો બંધ થઈ ગયો છે પરંતુ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓના સતત વધતા જળસ્તરથી શહેરને પાણીએ બાનમાં લઈ લીધું છે. અસંખ્ય એવા વિસ્તારો છે જે હજુ પણ ડૂબેલા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર તારાજીનો મંજર નજરે પડી રહ્યો છે.
શહેરના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં જળમગ્ન બન્યા છે. સોસાયટીમાં પાણી ઘૂસી જતાં ઘરોમાં દોઢ ફૂટ જેટલા પાણી ભરાઇ જતાં ઘરવખરીને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. વડોદરાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર પણ સતર્ક બની છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત રાહત બચાવ કામગીરી કરી રહી છે.
વિશ્વાસ કરવો અઘરો છે પરંતુ વગર વરસાદે સતત બીજા દિવસે આ પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરની છે. વિશ્વિમિત્રી નદીના પૂરે જાણે વડોદરાને વેર વિખેર કરી નાખ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા શહેરના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં એક એક માળ જેટલા પાણી હજુ પણ ભરાયેલા છે. દુકાનોન જાણે પાણીમાં ડૂબી ગઈ છે.
રસ્તાઓ જાણે નદી બની ગયા છે. લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ગોઠણ સુધી ભરાયેલા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. જે રસ્તાઓ પર પહેલાં વાહનો ચાલતા હતા ત્યાં હાલ લોકો બોટ લઈને ફરી રહ્યા છે. ક્યાં સોસાયટી, ક્યાં સોસાયટીના રસ્તાઓ કે ક્યાં રોડ...જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે વડોદરા માથે આવી આફત વર્ષો બાદ આવી છે. જીવન જરૂરિયાની વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. વડોદરા શહેરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં અમુલ ગોલ્ડની કિંમત 40 રૂપિયા વસૂલવામાં આવી રહી છે. એટલું જ નહીં બેની જરૂરિયાત સામે લોકોને એક-એક દૂધની થેલી આપવામાં આવી રહી છે.
વડોદરાવાસીઓ માથે ખતરો માત્ર વિશ્વામિત્રી નદીના પાણીનો નથી પરંતુ, વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોનો પણ છે. શહેરમાં શ્વાન ચક્કર લગાવતા હોય તેવી રીતે હાલ અનેક વિસ્તારોમાં મગર પાણીમાં તરતા નજરે પડી રહ્યા છે.. પરિસ્થિતિ એવી સર્જાય છેકે લોકો હવે પાણીમાં ઉતરતા પણ ડરી રહ્યા છે. મગરો શ્વાનનો શિકાર કરી રહ્યા છે.
તારાજીના પગલે વડોદરામાં આર્મીની એક ટીમ પણ પહોંચી છે જે બચાવ અને રેસ્ક્યૂની કામગીરીમાં જોડાઈ છે. લોકોને જરૂરિયાતની વસ્તુઓ પણ પહોંચાડવામાં આવી રહી છે. વડોદરાના કારેલીબાગમાં તુલસીવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. છેલ્લા 3 દિવસથી બંગ્લાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી.
વડોદરા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદમાં અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે આર્મીની વધુ ત્રણ કોલમ, એન. ડી. આર. એફ.ની એક તથા એસ. ડી. આર. એફ.ની એક ટીમ રેસ્ક્યું માટે ફાળવવામાં આવી છે.
આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ, એન. ડી. આર. એફ. ની ચાર તથા એસ. ડી. આર. એફ.ની પાંચ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. એમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, આજવા ડેમના દરવાજા ખોલાતા વડોદરા શહેર જળમગ્ન બની ગયું છે. જો કે આજવાના દરવાજા બંધ થયા બાદ પણ શહેરમાં પાણી ન ઓસરતા જનજીવન પ્રભાવિત થયું છે.
સતત વરસાદના કારણે અનેક શોપિંગ સેંટર, દુકાન અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. અનેક ઠેકાણે હજુ પણ કેડથી ગળાડૂબ પાણી હોવાથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યાં છે.
શહેરમાં બે દિવસથી લાઇટ પણ ન હોવાથી લોકોની મુશ્ક્લી વધી છે. હજારોની સંખ્યામાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં ગરકાવ થઇ ગયા છે, શહેરનો 50 ટકાથી વધુ વિસ્તાર હજુ પણ પાણીમાં ડૂબેલો છે. વડોદરામાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.