ગુજરાતના આ માતાજીના મંદિરમાં બાધા પૂરી થવા પર ખાવો પડે છે કોરડાનો માર

Fri, 11 Oct 2024-10:55 am,

સુરતની મોટી છીપાવાડના 100 વર્ષ જૂના ગોરબાઈ માતાજીના મંદિરની પ્રથા અનોખી છે. અહીં નવરાત્રિના સાતમના દિવસે 3,5 કે 7 વખત કોરડાનો માર ઝેલીને ભકતો ધન્યતા અનુભવે છે. એટલુ જ નહિ, આ મંદિરમાં ખીચડાનો પ્રસાદ લેવા માટે લોકો લૂંટ મચાવે છે.  કોઈક ભકતો મનોવાંછિત ઈચ્છા પૂરી થતાં તો કોઈક ભકતો નિરોગી રહેવા માટે બાધા રાખે છે. ખીચડો લૂંટીને તેને લોકો ગલ્લામાં કે તિજોરીમાં બરકત તરીકે મૂકે છે. ગોરબાઈ માતાના આદેશ બાદ જ કોરડો મંદિરની બહાર કઢાય છે. રાત્રિના 12 વાગ્યા પછી જાહેરમાં કોરડા ઝીલવામાં આવે છે. સાતમના દિવસે હજારોની સંખ્યામાં ભકતો દર્શન કરવા માટે આવે છે.

ંઆ મંદિરમાં છેલ્લી બે સદીથી સાતમના દિવસે ભક્તોને કોરડાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. પ્રસાદનું મહત્ત્વ સમજાવતા મંદિરના પૂજારી કહે છે શ્રદ્ધાળુઓને ગોરમાતા પ્રત્યે ભારે શ્રદ્ધા છે. લોકો જાણે અજાણ્યે વર્ષ દરમિયાન ભૂલ કરતાં હોય તેના પ્રાયશ્ચિત રૂપે અહીં કોરડાનો પ્રસાદ લેવા માટે આવે છે. તો કેટલાક ભક્તો પોતાની માનતા પૂરી થાય તો માતાજીના કોરડા પ્રસાદ લેશે તેવી માનતા લે છે અને તે માનતા પૂરી થતાં સાતમના દિવસે માતાજીના મંદિરે આવીને કોરડાનો પ્રસાદ ગ્રહણ કરે છે. સાતમની રાત્રે માતાજીના મંદિરમાં પૂજા બાદ દૂર-દૂરના વિસ્તારમાંથી કોરડાના પ્રસાદ માટે ભક્તો આવી રહ્યા છે.  

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગોરબાઈ માતાના મંદિરેથી માતાજીનો કોરડો નીકળે છે. મોડી રાત્રે નીકળતો આ કોરડો માતાજીના હુકમથી જ કાઢવામાં આવે છે. તેમના મુખમાંથી પાનનું બીડું નીચે પડે છે અથવા તો અન્ય કોઈ રીતે તેઓ જ્યારે આદેશ આપે ત્યાર પછી જ કોરડો બહાર નીકળે છે અને વિધિ શરૂ થાય છે. જે પણ ભક્તોએ માનતા માની હોય તે ભક્તો કોરડો ખાય છે.

કોરડાનો પ્રસાદ લેનાર ભક્તો કહે છે, આ પ્રસાદને કારણે માતાજીની મહેર થાય છે અને તેમણે જાણ્યે અજાણ્યે કરેલા પાપ દૂર થાય છે અને તેના કારણે માનસિક શાંતિ પણ મળે છે. નવરાત્રિ દરમિયાન માતાજીને મીઠાઈ શ્રીફળનો પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ આ મંદિરે વડી અને સુવાડીના પ્રસાદ સાથે કોરડાનો પ્રસાદ આપવામાં આવે છે. આવા પ્રસાદને કારણે ગોરબાઈ માતાનું મહત્ત્વ બે સદી છતાં પણ યથાવત રહ્યું છે.

જાણવા જેવી બાબત એ છે કે સામાન્ય રીતે મંદિરોમાં પ્રસાદ વહેંચી દેવામાં આવે છે. જ્યારે આ મંદિરમાં ખીચડાનો પ્રસાદ લેવા માટે લોકો લૂંટ મચાવે છે જે પણ એક પ્રથા જ છે. જુવાર તથા અન્ય અનાજને બાફીને ખિચડાનો પ્રસાદ બનાવવામાં આવે છે. 

ગોરબાઈ માતાના મંદિરે કોરડાનો પ્રસાદ સાથે ખંડના પ્રસાદનું પણ ઘણું જ મહત્ત્વ રહેલું છે. બે સદીથી ખંડનો પ્રસાદ સંતાન પ્રાપ્તિ માટે હોવાની વાયકા છે અને તેને હજી પણ લોકો માની રહ્યા છે. જેમને સંતાન નથી થતું તેવા દંપતી અહીં આવે છે અને બાધા રાખી ખડ ખાય છે તેમના ઘરે બીજા વર્ષે પારણું બંધાય છે. જો કે, પારણું બંધાય તેવા દંપતી પોતાની બાધા છોડવા માટે પણ આવતા હોય છે. આ દિવસની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. જેમના ઘરે સંતાન થયું હોય તેવા દંપતી પોતાના બાળકને મંદિરે દર્શન કરાવવા લઈને આવે છે. હાલ ડિજિટલ યુગમાં પણ આ પરંપરા જોવા મળે છે તે માતાજી પ્રત્યેની લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રમાણ આપે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link