ભારતે Pangong lake માં તૈનાત કરી `અદ્રશ્ય સેના`, બસ હવે બહુ જલદી ચીનની `ગેમ ઓવર`
ભારત અને ચીન વચ્ચે એલએસી પર તણાવ યથાવત છે. બંને દેશના 50 હજારથી વધુ સૈનિકો લદાખની ભીષણ ઠંડીમાં એકબીજાની સામે ડટેલા છે. ચીન તણાવ ઓછો કરવાની વાત કરે છે પરંતુ પોતાની જગ્યાએ પાછું ફરવા પણ તૈયાર નથી. આથી ચીનની દરેક ચાલ નિષ્ફળ કરવા માટે ભારતે હવે પોતાના સૌથી ખતરનાક કમાન્ડોઝને એલએસી પર ઉતારી દીધા છે. હવે માર્કોસ કમાન્ડોઝ ચીનની દરેક ચાલનો જવાબ આપશે.
અત્રે જણાવવાનું કે ઈન્ડિયન નેવીએ એલએસી પર પેન્ગોંગ લેક પાસે પોતાના સૌથી ખતરનાક કમાન્ડોઝ તૈનાત કરી દીધા છે. આ વિસ્તારમાં એરફોર્સના ગરૂડ કમાન્ડોઝ અને આર્મીના પેરા સ્પેશિયલ ફોર્સ પહેલેથી હાજર છે. જો કે ભારત પૂર્વ લદાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવને ખતમ કરવા માટે વાતચીત કરી રહ્યું છે. પરંતુ ચીનની ચાલબાજી જોતા અહીં તાકાત વધારવામાં આવી રહી છે. આથી હવે અહીં માર્કોસ તૈનાત કરીને ચીનને મોટો સંદેશ મોકલવામાં આવ્યો છે.
અહીં જાણવા જેવી વાત એ છે કે લદાખ જેવા પહાડી વિસ્તારોમાં માર્કોસ કમાન્ડોઝની તૈનાતીનો નિર્ણય કેમ લેવાયો. વાત જાણે એમ છે કે નેવીની આ સૌથી ખાસ ટુકડીનું એલએસી પર તૈનાત થવાનો અર્થ સીધે સીધો પેન્ગોંગ લેક સાથે છે. ચીને આ વિસ્તારમાં અતિક્રમણ કરીને ફિંગર 4થી 8 સુધી કબ્જો કરી રાખ્યો છે. જેના મુકાબલા માટે અહીં આર્મી અને એરફોર્સના કમાન્ડો તૈનાત છે. પરંતુ લેકમાં ઓપરેશનના મહારથને જોતા હવે માર્કોસ કમાન્ડોઝને અહીં મોકલવામાં આવ્યા છે. જેના કારણે તેઓ પાણીની અંદર રહીને દુશ્મનની જાણ બહાર તેને ધૂળ ચટાડી શકે. માર્કોસની તૈનાતીથી માર્કોસને ખુબ જ ઠંડીમાં ઓપરેશનને અંજામ આપવાનો અનુભવ પણ મળી શકશે.
ઝી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ માર્કોસ કમાન્ડોઝને એ જ એરિયામાં તૈનાત કરાયા છે જ્યાં ભારતીય અને ચીની સેના આમને સામને છે. ભારતીય નેવીના કમાન્ડોઝને જલદી પેન્ગોંગ લેકમાં ઓપરેશનલ રીતે રેડી કરી દેવામાં આવશે. તેમને બર્ફીલા પાણીની અંદર પહેરવામાં આવતા સ્પેશિયલ સૂટ અને હથિયાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ કમાન્ડોઝ દુશ્મનની બોટને ઠેકાણે લગાવવા, લેક કિનારે જામેલા દુશ્મનોના કેમ્પો પર હુમલો કરવા અને તેમની આક્રમણ ક્ષમતાને ઓછી કરવામાં કામે લાગશે.
અત્રે જણાવવાનું કે લદાખમાં આર્મી અને એરફોર્સની મૂવમેન્ટ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહી છે. અહીં ભારે સંખ્યામાં અલગ અલગ ટુકડીઓમાં તૈનાતી કરાઈ છે. સેનાના પેરા સ્પેશિયલ ફોર્સ, જેમને પેરા કમાન્ડોઝ પણ કહે છે અને તેમની સાથે ભારતની ગુપ્તચર યુનિટ સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (SFF) પણ એલએસી પર તૈનાત છે. વાયુસેનાના સ્પેશિયલ ગરૂડ કમાન્ડોઝ પણ તૈનાત છે. જેમને સ્થિતિ બગડે તો એર ડિફેન્સ સિસ્ટમથી લેસ કરીને વ્યુહાત્મક રીતે મહત્વની ટોચ પર તૈનાત કરવામાં આવી શકે છે. હવે માર્કોસ કમાન્ડોઝની તૈનાતી સાથે પાણીમાં ઓપરેશન કરવાની ભારતની મોટી જરૂરીયાત પણ પૂરી થઈ ગઈ.
આર્મી અને એરફોર્સની ટુકડીઓ છેલ્લા 7 મહિનાથી પૂર્વ લદાખમાં ડટેલી છે. પેન્ગોંગ લેકના દક્ષિણમાં 29-30 ઓગસ્ટના રોજ સેનાએ સ્પેશિયલ ફોર્સની મદદથી ઓપરેશન કરીને LACની અનેક મહત્વની ચોટીઓ પર કબજો જમાવ્યો હતો. ત્યારબાદ ચીને પણ LAC પર પોતાના સ્પેશિયલ ટ્રુપ્સ તૈનાત કરી દીધા.
એવું નથી કે ભારતીય નેવીએ પહેલીવાર પહાડી વિસ્તારમાં પોતાના કમાન્ડો તૈનાત કર્યા છે. જમ્મુ અને કાશ્મીરના દાલ સરોવર અને વૂલર લેકની આસપાસ પણ માર્કોસ કમાન્ડોઝ પહેલેથી તૈનાત છે. આ બાજુ એરફોર્સે પણ 2016ના પઠાણકોટ હુમલા બાદ કાશ્મીર ઘાટીમાં બનેલા પોતાના એરબેસની સુરક્ષા માટે ગરૂડ કમાન્ડોઝની તૈનાતી કરી હતી. જેથી કરીને ગ્રાઉન્ડ ઓપેરશનનો અનુભવ મળી શકે. તે વખતના આર્મી ચીફ અને હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવતના પ્લાનનો આ એક ભાગ હતો.
કાશ્મીરમાં તૈનાતી બાદ તરત ગરૂડ ટીમે પોતાની તાકાત સાબિત કરી હતી. તેમણે આતંકવાદીઓના આખા એક ગ્રુપને ખલાસ કરી નાખ્યું હતું. આ ગ્રુપને મુંબઈ આતંકી હુમલાના ષડયંત્રમાં સામેલ ઝહીર ઉર રહેમાન લખવીનો ભત્રીજો લીડ કરી રહ્યો હતો. આવી જ સફળતાઓ માર્કોસ કમાન્ડોઝના હાથમાં પણ લાગવાની શરૂ થઈ ગઈ છે. એટલે કે વિસ્તાર ગમે તે હોય, હાલાત કોઈ પણ હોય, દુશ્મન ગમે તે હોય પણ જ્યાં સુધી માર્કોસ તૈનાત છે ત્યાં સુધી અશક્ય ગણાતા વિસ્તારોમાં પણ ભારતની જીત નક્કી છે.