India vs Australia Boxing Day Test: મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતના આ છે 5 મોટા કારણ
ટીમ ઈન્ડિયાના કાર્યવાહક કેપ્ટન અજિંક્ય રહાણેએ બીજી ટેસ્ટમાં કેપ્ટનવાળી ઈનિંગ રમી. તેણે પહેલી ઈનિંગમાં 223 બોલમાં 112 રનનું યોગદાન આપ્યું. તેના કરિયરની આ 12મી ટેસ્ટ મેચ હતી. આ ઈનિંગે ભારતને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મજબૂત બનાવવામાં સિંહ ફાળો આપ્યો અને ગેમ ચેન્જર સાબિત થઈ. તેણે બીજી ઈનિંગમાં 40 બોલમાં 27 રનનું મહત્વનું યોગદાન આપ્યું. રહાણેએ માત્ર પોતાની શાનદાર રમતથી જ નહીં પરંતુ કેપ્ટનશીપથી પણ પ્રભાવિત કર્યા છે. જેણે જીતમાં ફાળો આપ્યો.
પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા મોહમ્મદ સિરાજે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ વિકેટ ઝડપી. આ સાથે જ તે 7 વર્ષમાં પહેલીવાર 5 વિકેટ મેળવનારો ભારતીય ડેબ્યુટન્ટ બની ગયો. આ મેચમાં શુભમન ગીલની સાથે ડેબ્યુ કરનારા સિરાજે બંને ઈનિંગમાં કુલ 36.3 ઓવર બોલિંગ કરતા પાંચ વિકેટ મેળવી, જેમાં બંને ઈનિંગમાં કેમરૂન ગ્રીનની વિકેટ પણ સામેલ છે. આ ઉપરાંત સિરાજે પહેલી ઈનિંગમાં માર્નસ લાબુશેનની પણ વિકેટ લીધી હતી.
આ મેચમાં શુભમન ભલે મોટી ઈનિંગ ન રમી શક્યો પરંતુ તેણે પોતાની બેટિંગથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. શુભમન ગીલે ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગમાં 65 બોલ પર અણનમ 45 રન કર્યા હતા અને બધાને પ્રભાવિત કર્યા. શુભમન ગીલે પોતાની ઈનિંગમાં આઠ ચોગ્ગા માર્યા અને ચેતેશ્વર પુજારા સાથે મળીને 61 રનની સારી ભાગીદારી કરી. બીજી ઈનિંગમાં આ બેટ્સમેને 36 બોલમાં 35 રનનું મહત્વનું યોગદાન આપ્યું.
રવિન્દ્ર જાડેજા અને રહાણે વચ્ચે 245 બોલમાં 121 રનની ભાગીદારી થઈ. રહાણેની સદી અને જાડેજાની અડધી સદીએ આ મેચને સંપૂર્ણ રીતે પોતાના કબજામાં કરી લીધી. જાડેજાએ પહેલી ઈનિંગમાં 159 બોલમાં 57 રનની ઈનિંગ રમી. એટલું જ નહીં જાડેજાએ બેટિંગ ઉપરાંત બોલથી પણ કમાલ કરી બતાવ્યો. પહેલી ઈનિંગમાં એક વિકેટ લીધી જ્યારે બીજી ઈનિંગમાં 2 વિકેટ લીધી.
બુમરાહનો બોક્સિંગ ડે ટેસ્ટમાં મહત્વનો રોલ રહ્યો. આ ઝડપી બોલરે ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું. તેણે પહેલી ઈનિંગમાં 16 ઓવરમાં 56 રન આપીને 4 વિકેટ લીધી. બીજી ઈનિંગમાં 27 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ લીધી.