વર્લ્ડકપનો ઉત્સાહ સાતમા આસમાને : ક્રિકેટ થીમ પર પ્રિન્ટ કરેલી કાર લઈને પહોંચ્યો ગુજરાતી પરિવાર
આ પરિવાર પોતાની કાર પર ટિમ ઇન્ડિયાના ખેલાડીઓના પોસ્ટર્સ તેમજ ઉપરના ભાગે ટ્રોફી લગાવી આવ્યા છે. ગઈકાલે સવારે 10 વાગ્યે તેઓ મુંબઈથી કાર ચલાવી નીકળ્યા હતા.
વર્લ્ડકપ થીમ પર આ કાર સજાવટ કરવામાં બે દિવસનો સમય લાગ્યો હતો. પરિવારના સભ્યો બીના શાહ, કેતન શાહ, પંક્તિ શાહ અને વિપુલ સોલંકી મેચ જોવા આવી પહોંચ્યા છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડ કપનો મહા સંગ્રામ છે. બે વખતના વર્લ્ડ ચેમ્પિયન Vs 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન આજે સામસામે ટકરાશે. વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે બંને ટીમ મેદાનમાં ઉતરશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી રોમાંચક મુકાબલો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત પાસે ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો અવસર છે. ટીમ ઈન્ડિયાના ધરખમ બેટિંગ અને બોલિંગની આજે અગ્નિ પરીક્ષા છે. તો રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની કસોટી છે. ભારત પાસે સતત 11 વિજય મેળવવાની ગોલ્ડન તક છે. 1.32 લાખ પ્રેક્ષકોની વચ્ચે આજે બ્લોકબસ્ટર મેચ યોજાશે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ તાકાતનો જંગ છે. દુનિયાભરના કરોડો ચાહકો ક્રિકેટનો રોમાંચ નિહાળશે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ... વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ... અને વિશ્વની બે વર્લ્ડ ચેમ્પિયન વચ્ચે કાંટે કી ટક્કર.... વાત થઈ રહી છે અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલની... અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 2ના ટકોરે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ટાઈટલ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.
સ્ટેડિયમમાં હાજર 1.32 લાખ પ્રેક્ષકો અને આખી દુનિયામાં પોતાના ઘર, હોટલ, રિસોર્ટમાં કરોડો ફેન્સની ઈંતઝારી વચ્ચે બ્લોક બસ્ટર મહામુકાબલાની શરૂઆત થશે. ભારત માટે આ વખતે વર્લ્ડ કપ જીતવાની ગોલ્ડન તક છે. કેમ કે ભારતે વર્લ્ડ કપની તમામ 10 મેચ જીતીને શાનદાર દેખાવ કર્યો છે. તો ટીમના તમામ બોલર્સ અને બેટ્સમેન ધુંઆધાર ફોર્મમાં છે. જે પ્રમાણે અત્યાર સુધી ભારતીય ટીમે પ્રદર્શન કર્યું છે તેવું પ્રદર્શન આ મેચમાં કરશે તો 1983, 2011 અને હવે 2023નો વર્લ્ડ કપ ભારતના નામે નોંધાઈ જશે.