કુદરતે છૂટ્ટા હાથે વેર્યું છે સૌંદર્ય, રોમાંચ પણ જબરો...છતાં ભારતની આ જગ્યાઓ પર ભારતીયોને જ નો એન્ટ્રી!
આવી જગ્યાઓ પર ભારતીયોને ન જવા દેવા પાછળ કારણ જોઈએ તો સિક્યુરિટી, વિવાદિત જગ્યા અને અન્ય કેટલાક કારણો છે. શાનદાર લોકેશન હોવા છતાં આ જગ્યાઓ પર્યટકો માટે મનાઈ છે. જાણો આ જગ્યાઓ વિશે.
નોર્થ સેન્ટેનિલ આઈલેન્ડ્સ નોર્થ સેન્ટેનિલ આઈલેન્ડ્સ આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલો છે. આ જગ્યા પર દુનિયાની સૌથી જૂની આદિવાસી જનજાતિ રહે છે. તેમને આજના યુગ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ બહારના લોકો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી. કોઈ વ્યક્તિ તેમની નજીક જાય તો આ લોકો હિંસક થઈને તેમને મારી નાખે છે. એવું કહેવાય છે કે તેમનું અસ્તિત્વ 60,000 વર્ષ જૂનું છે. આ જગ્યાએ ભારતીય સેનાને પણ જવાની મનાઈ છે.
અક્સાઈ ચીન અક્સાઈ ચીન ફરવાના શોખીનો માટે અને રોમાંચ પસંદ કરનારાઓ માટે કોઈ સ્વર્ગથી કમ નથી. અહીં મીઠાના તળાવ, વેલી, અને કરાકાશ નદીની સુંદરતા મનમોહક છે. પરંતુ ભારતીયો અહીં જઈ શકતા નથી. કારણ કે અહીં લાંબા સમયથી વિવાદ ચાલુ છે. ભારત અક્સાઈ ચીન પર પોતાનો દાવો કરે છે અને તેને લદાખનો ભાગ માને છે. 1962ના યુદ્ધમાં ચીને અક્સાઈ ચીનના ભાગ પર કબજો કર્યો હતો.
બૈરન આઈલેન્ડ, આંદમાન આ ટાપુ આંદમાન સાગરમાં આવેલો છે અને ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું ઘર છે. આ દ્વીપની સુંદરતા દૂરથી કોઈ જહાજથી જોઈ શકાય છે. પરંતુ અહીં જવાની મનાઈ છે.
લક્ષદ્વીપના કેટલાક ટાપુઓ લક્ષદ્વીપના કુલ 36 ટાપુઓ છે જ્યાં મોટાભાગના ટાપુઓ પર પ્રવાસીઓને જવાની મનાઈ છે. તેનું કારણ સ્થાનિક હિતો અને નેવી બેસ હોવાનું પણ છે. પરંતુ કેટલાક ટાપુઓ જેમ કે અગત્તી, બંગારામ, કદમત, કાવારત્તી, અને મિનિકોય ટાપુઓ પર પ્રવાસીઓ ફરી શકે છે.
BARC, મુંબઈ મુંબઈ સ્થિત ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર (BARC) પ્રવાસીઓ માટે પ્રતિબંધિત વિસ્તાર છે. તે ભારતનું પ્રતિષ્ઠિત ન્યૂક્લિયર રિસર્ચ સેન્ટર છે. રિસર્ચર્સ અને સ્ટુડન્ટ્સ સિવાય કોઈને પણ સિક્યુરિટી કારણસર અહીં પ્રવેશ અપાતો નથી. રિસર્ચર્સ અને સ્ટુડન્ટ્સને પણ અનેક પ્રકારે મંજૂરી મેળવ્યા બાદ જ તેમાં એન્ટ્રી અપાય છે.
ચોલામુ લેક, સિક્કિમ ત્સો લ્હામો ઝીલના નામથી ઓળખાતી આ ઝીલ દુનિયાની સૌથી ઊંચી ઝીલોમાંથી એક છે. પરંતુ કમનસીબે પર્યટકો માટે અહીં પહોંચવું શક્ય નથી. તે તિબ્બત બોર્ડરથી થોડાક જ કિલોમીટર દૂર છે જે ભારતના પ્રતિબંધિત શ્રેણીના વિસ્તારોમાં આવે છે. અહીં જવાની મંજૂરી ફક્ત સેના, સિક્કિમ, પોલીસ અને પ્રશાસન પાસે છે.