ગુજરાતમાં અહીં બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, જાણો શું છે વિશેષતા?

Wed, 16 Oct 2024-5:40 pm,

ઉલ્લેખનીય છે કે, નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)નો શિલાન્યાસ માર્ચ 2019માં કરવામાં આવ્યો હતો, જે વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ કોમ્પ્લેક્સ બનવા જઇ રહ્યું છે. આ આખો પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. દરેક તબક્કો મુલાકાતીઓના અનુભવ અને શૈક્ષણિક પ્રભાવને વધારવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. 

NMHCનો તબક્કો 1A હાલ પ્રગતિ હેઠળ છે, જેમાં 60% થી વધુ કામ પૂર્ણ થયું છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓ સમાવિષ્ટ કરવામાં આવશે. આ મ્યુઝિયમ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ્સને સમર્પિત કરવામાં આવશે, અને તે દેશમાં સૌથી મોટું મ્યુઝિયમ હશે તેવી અપેક્ષા છે. આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવશે. વધુમાં, તબક્કા 1Aમાં પ્રાચીન લોથલ ટાઉનશીપનું મોડેલ, એક ઓપન એક્વેટિક (જળચર) ગેલેરી અને જેટ્ટી વોકવેનો સમાવેશ કરવામાં આવશે. ₹1,238.05 કરોડના અંદાજિત ખર્ચ સાથે આ તબક્કા હેઠળનું કાર્ય વર્ષ 2025માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ માટે મુખ્ય બંદરો, સંરક્ષણ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયના યોગદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. 

તબક્કા 1Bમાં, NMHC મ્યુઝિયમમાં વધુ આઠ ગેલેરીઓ તેમજ એક લાઇટહાઉસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. લાઇટહાઉસ મ્યુઝિયમને વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ બનાવવાની યોજના છે. તેમાં એક બગીચા કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે, જેમાં લગભગ 1,500 વાહનો માટે પાર્કિંગ, એક ફૂડ હોલ અને મેડિકલ સેન્ટર હશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમનો અંદાજિત ખર્ચ ₹266.11 કરોડ છે, જે માટે ડિરેક્ટોરેટ જનરલ ઑફ લાઇટહાઉસ એન્ડ લાઇટશિપ્સ (DGLL) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

કેબિનેટે એક વ્યૂહાત્મક યોજના બનાવીને NMHC પ્રોજેક્ટના આગામી તબક્કાઓની કામગીરીને પ્રાથમિક મંજૂરી આપી છે. આ તબક્કાઓને સ્વૈચ્છિક દાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે, અને તેમની પ્રગતિ પર્યાપ્ત નાણાં એકત્ર કરવા પર નિર્ભર રહેશે. બંદરો, શિપિંગ અને જળમાર્ગોના મંત્રીશ્રીના નેતૃત્વમાં એક વિશેષ સોસાયટી દ્વારા આ તબક્કાઓની કામગીરીનું સંચાલન કરવામાં આવશે. 

NMHCના વિકાસથી 15 હજાર પ્રત્યક્ષ અને 7 હજાર પરોક્ષ રોજગારીની તકો પેદા થશે. આર્થિક વૃદ્ધિને આગળ વધારવાની સાથોસાથ, તેનાથી સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ, સંશોધકો, વિદ્વાનો, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણીય જૂથો અને વ્યવસાયોને ફાયદો થશે. લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) એ ભારતના દરિયાઈ વારસાને સન્માનિત કરવા અને જાળવવા માટેનો સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link