MS Dhoni Resign: MS ધોનીએ એક વર્ષ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, જાણો કેપ્ટનશીપ છોડવા પાઠળની આખી કહાની
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની શરૂઆત આજથી થઈ રહી છે અને આ વખતે ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, આ વખતે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકે જોવા મળશે નહીં. કેમ કે, આઇપીએલ શરૂ થવાના બે દિવસ પહેલા જ એમએસ ધોનીએ મોટો ધમાકો કર્યો અને રવિન્દ્ર જાડેજાને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો.
જો કે, મહેન્દ્ર સિંહ ધોનીએ એક વર્ષ પહેલા જ રવિન્દ્ર જાડેજાને આ અંગેના સંકેત આપ્યા હતા કે તેને આગામી સમયમાં મોટી જવાબદારીઓ માટે તૈયાર રહેવું પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથનએ આ વિશે આખી કહાની જણાવતા કહ્યું કે કેવી રીતે એમએસ ધોનીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો.
સીએસકેના સીઈઓના જણાવ્યા અનુસાર, રવિન્દ્ર જાડેજાને જ્યારે તે પ્રેક્ટિસ સેશન દરમિયાન મળ્યા હતા ત્યારે તેણે કહ્યું હતું કે, એમએસ ધોનીએ ગત વર્ષે આઇપીએલ બાદ આ અંગેના સંકેત આપ્યા હતા. ધોનીએ ત્યારે જાડેજાને કહ્યું હતું કે, તેણે હવે વધારે જવાબદારી સંભાળવા માટે તૈયાર રહેવું જોઇએ.
રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, આ જવાબદારી કેપ્ટનશીપની પણ હોઈ શકે છે. કાસી વિશ્વનાથને કહ્યું કે, જ્યારે અમે આ સાંભળ્યું ત્યારે અમે સંપૂર્ણ રીતે આઘાતમાં હતા. પરંતુ એમએસ ધોની જે પણ કરે છે તે સીએસકેના હિતમાં કરે છે, એવામાં અમને સંપૂર્ણ રીતે સંતોષ છે. બધુ પહેલાની જેમ જ રહેશે, ધોની હજુ પણ રહશે.
તમને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સાથ 2008 થી છે. જો કે, વચ્ચે સીએસકે બે વર્ષ માટે પ્રતિબંધ થઈ હતી, પરંતુ ધોની પાછો પોતાની ટીમ પાસે આવ્યો. આ કારણ છે કે તમિલનાડુમાં એમએસ ધોનીને થાલા બોલાવવામાં આવે છે એટલે કે લીડર.
મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ એકબીજાના પર્યાય બની ગયા છે. પરંતુ આતંરરાષ્ટ્રીય ક્રિકેટને બે વર્ષ પહેલા જ છોડનાર એમએસ ધોની ઉંમરના એવા પડાવમાં છે, જેમાં નજીકના સમયમાં આઇપીએલ પણ છોડી શકે છે. આ કારણ છે કે તેણે પહેલાથી જ ભવિષ્યની તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી છે.
હવે મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાંથી કમાન રવિન્દ્ર જાડેજાના હાથમાં જતી રહી છે. આ પહેલી વખત હશે કે જ્યારે આઈપીએલમાં રવિન્દ્ર જાડેજા કોઈ ટીમની કેપ્ટનશીપ કરશે. ચાર વખચ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રયત્ન હશે કે તે રવિન્દ્ર જાડેજાની આગેવાનીમાં પણ ખિતાબ જીતે.