IPL 2024: ક્રિકેટ વિશ્વના 5 સ્ટાર પોતાની ટીમ માટે બન્યા `પનોતી`, એકની એવરેજ તો 8થી ઓછી
ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં અત્યાર સુધી 17 મેચ રમાઈ ચુકી છે. અંગકૃષ રઘુવંશી, શશાંક સિંહ, આશુતોષ શર્મા, મયંક યાદવ, રિયાન પગાર જેવા ખેલાડીઓ પોતાની ટીમ માટે સ્ટાર સાબિત થયા છે. તો ઘણા એવા સ્ટાર ખેલાડી છે જે પોતાની ટીમ માટે પનોતી સાબિત થયાં છે. આ સ્ટાર ખેલાડીઓ મેદાન પર ફ્લોપ રહ્યાં છે. એકની તો એવરેજ 8ની છે. આવો જાણીએ આ લિસ્ટમાં કોણ-કોણ છે.
ઈંગ્લેન્ડનો કેપ્ટન બટલર રાજસ્થાન રોયલ્સ માટે X ફેક્ટર હતો. પરંતુ આ વખતે બટલરનું બેટ શાંત છે. તેના બેટથી 3 મેચમાં માત્ર 35 રન નિકળ્યા છે. તેની એવરેજ 11.66 અને સ્ટ્રાઇક રેટ 85.36ની છે. પરંતુ તેની ટીમે ત્રણેય મેચ જીતી છે.
ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળનાર હાર્દિક પંડ્યા માટે આ સીઝન ખરાબ રહી છે. તેણે દર મેચમાં સારી શરૂઆત આપી, પરંતુ મોટી ઈનિંગ રમી શક્યો નહીં. 3 મેચમાં તેના નામે 69 રન છે અને તેની કેપ્ટનશિપને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો છે. હવે જોવાની વાત છે કે હાર્દિક વાપસી કરે છે કે નહીં.
વનડે વિશ્વકપમાં ધમાલ મચાવનાર ગ્લેન મેક્સવેલ ચિન્નાસ્વામીના નાના મેદાન પર પણ મોટો શોટ રમી રહ્યો નથી. 4 મેચમાં તેના નામે માત્ર 31 રન છે. તેની એવરેજ 7.75 અને સ્ટ્રાઇક રેટ 114.81ની છે. આરસીબીએ પોતાની 4માંથી માત્ર એક મેચ જીતી છે.
આઈપીએલ પહેલા ઈન્ટરનેશનલ ,સિરીઝ અને ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાને કારણે વિવાદોમાં આવેલો ઈશાન કિશન શરૂઆતી મેચોમાં ફ્લોપ રહ્યો છે. તેણે અત્યાર સુધી 3 મેચ રમી છે અને માત્ર 50 રન બનાવ્યા છે. શરૂઆતી ત્રણ મેચ હારી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.
દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં મિચેલ માર્શને ઓપનિંગમાં મોકલ્યો હતો. દલીલ હતી કે ડેવિડ વોર્નર અને માર્શ બંને ઓસ્ટ્રેલિયા માટે ઓપન કરે છે. પરંતુ ટીમને સફળતા મળી નહીં. માર્શે 4 મેચમાં માત્ર 61 રન ફટકાર્યા છે. તેના બેટથી માત્ર 8 ચોગ્ગા અને એક સિક્સ નિકળી છે. દિલ્હીએ માત્ર 1 મેચ જીતી છે.