IPL 2024: કેમ સતત થઈ રહ્યું છે હાર્દિક પંડ્યાનું હૂટિંગ? નફરત પાછળ રોહિત શર્મા કે કેપ્ટન્સી જ નહીં...આ 5 મોટા કારણ છે જવાબદાર
હાર્દિક પંડ્યા સતત ફેન્સની નારાજગીનો સામનો કરી રહ્યો છે. સામાન્ય રીતે તો તેની પાછળ તેને જે રીતે મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો તે માનવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો રોહિત શર્માના ફેન્સનો આક્રોશ પણ કારણભૂત માને છે. આ સાચું છે પણ સંપૂર્ણ રીતે આ જ કારણ છે એવું પણ ન હોઈ શકે. પંડ્યા પ્રત્યે લોકોની નારાજગીના બીજા પણ કારણો છે. જેને ધ્યાનમાં લેવા પણ જરૂરી છે. કારણ કે તે પણ હાર્દિક પ્રત્યેના દર્શકોના વલણ વિશે ભાગ ભજવતા હોય છે.
રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈ માટે જ્યારે પંડ્યા રમતો હતો ત્યારે તે સમયે ફીલ્ડરને ગાળ દઈને પંડ્યાએ સૂચન આપ્યું હતું અને કહ્યું હતું કે મારી બોલિંગમાં કોઈ બીજાની વાત ન સાંભળો. તે સમયે રોહિત શર્મા ફિલ્ડરને કોઈ જગ્યાએ ઊભા રહેવાનું કહી રહ્યા હતા પરંતુ પંડ્યાની ગાળ સ્ટમ્પ માઈક પર સંભળાઈ હતી અને ફેન્સને આજે પણ તે યાદ છે.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 મેચમાં તિલક વર્મા 49 રનના સ્કોર પર રમતો હતો અને હાર્દિક પંડ્યાએ છગ્ગો મારીને જીત અપાવી દીધી. આ દ્રશ્ય પણ ફેન્સના માનસપટલ પરથી હટ્યું નથી. ફેન્સનું કહેવું છે કે પંડ્યાએ આવું જાણી જોઈને કર્યું. તિલક વર્માને પંડ્યાએ 50 રન કરતા રોક્યો. આ ઘટના પણ ફેન્સને બરાબર યાદ છે.
ફેન્સનું એવું પણ માનવું છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ કપ 2023ની મેચમાં કે એલ રાહુલ પાસે સદી ફટકારવાની તક હતી પરંતુ હાર્દિક પંડ્યાએ એવું થવા દીધુ નહીં. રાહુલે 97 રન કર્યા હતા જ્યારે ધોની સ્ટાઈલમાં છગ્ગો ફટકારીને જીત અપાવવાની ઈચ્છા ધરાવતા પંડ્યા તેની દરકાર કર્યા વગર છગ્ગો મારીને જીત અપાવી દીધી અને આ રીતે રાહુલની સદી થઈ શકી નહીં.
આઈપીએલની આ સીઝનમાં સીનિયર ખેલાડીઓ સાથેનું હાર્દિકનું અણછાજતું વર્તન પણ ચર્ચાને ચગડોળે છે. એક વીડિયો ખુબ વાયરલ થયો હતો જેમાં તે રોહિત શર્મા સાથે વાત કરી રહ્યો છે. પંડ્યા રોહિત શર્માને બાઉન્ડ્રી પર જઈને ફીલ્ડિંગ કરવાનું કહે છે અને આ દરમિયાન તેનું વર્તન પણ વિનમ્ર જોવા નહતું મળ્યું. ત્યારબાદ ફેન્સની નારાજગી વધી ગઈ.
આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાનો લસિથ મલિંગા સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મેચ બાદ લસિથ મલિંગા હાર્દિક પંડ્યાને ભેટવા માટે આવ્યો પરંતુ હાર્દિકે તેમને ધક્કો મારીને દૂર ધકેલી દીધા. આ વીડિયો વાયરલ થતાની સાથે જ ફેન્સની નફરત પણ વધી ગઈ. ફેન્સને લાગ્યું કે હાર્દિક સીનિયર્સ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે. પંડ્યા જે રીતે મેદાન પર વર્તન કરે છે લાગે છે કે ફેન્સને તે ગમતું નથી જેથી કરીને તેમની નારાજગી અને નફરતમાં ઉત્તરોત્તર જાણે વધારો થઈ રહ્યો છે. હવે હાર્દિક માટે આ મોટો પડકાર બન્યો છે કે ફેન્સની નારાજગી ઓછી કેવી રીતે કરવી.