જાપાનીઓએ સ્વીકાર્યો જૈન ધર્મ, જાપાનમાં જૈનાલય બનાવ્યું, મૂર્તિ લેવા ખાસ આવ્યા ગુજરાત
આગામી તારીખ 31 જુલાઇએ જાપાનથી આવેલા લોકો બનાસકાંઠાના નેનાવાથી જૈનાચાર્ય જયંતસેન સુરિશ્વરજીની ગુરુમૂર્તિને વિમાન મારફતે જાપાન લઇ જશે. જાપાનમાં જૈનાચાર્યની પ્રેરણાથી હજારો લોકો માંસાહાર ત્યાગ કરી ચૂક્યા છે. જૈન શાસનની અભૂતપૂર્વ ઘટનાઓ પૈકીની એક ઘટના હાલમાં જ ગુજરાતમાં સાકાર થઇ રહી છે. જાપાનમાંથી એક ગ્રુપ ગુજરાત આવ્યુ છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના નેનાવા ગામમાંથી જૈનાચાર્ય જયંતસેન સુરિશ્વરજીની ગુરુ મૂર્તિને વિમાન મારફતે જાપાન લઇ જવાના છે. જ્યાં મૂર્તિનું સ્થાપન કરીને પૂજા ભક્તિ કરાશે.
આ જાપાનીઝ ગ્રુપ જૈન વિચારધારાથી પ્રભાવિત છે. માત્ર આ ગ્રુપ નહિ જાપાનમાં હજારો લોકો જૈન ધર્મના આચાર વિચાર પાળે છે. જાપાનીઝ ગુરુદેવ અને જૈન ધર્મથી કઇ રીતે પ્રભાવિત થયા એ વિશે અમૃતભાઇ વધુમાં જણાવ્યુ હતુ કે, વર્ષ 2005 માં જાપાનથી એક ગ્રુપ ભારતમાં રાજસ્થાનના પ્રવાસે આવ્યુ હતું. એ ગ્રુપમાં એક મહિલા હતી, જેનું નામ ચૂરુસુ હતું. એમના ગાઈડના કહેવાથી તેઓ જૈનાચાર્ય જયંતસેન સુરિશ્વજીના દર્શન માટે ગયા. જ્યાં ગુરુદેવની વાણી વર્તનથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. ગુરુદેવે ચૂરૂસીને નવકાર મંત્ર પણ આપ્યો અને જાપ કરવા કહ્યું. બાદમાં જાપાન પરત ફર્યા પછી ત્રણ મહિના બાદ ફરી તેઓ ભારત આવ્યા અને ગુરુદેવના દર્શન કર્યા.
નવકાર સિદ્ધ કરવાની ગુરુજીની આજ્ઞાથી ચુરુસુએ દરરોજ 15 થી 18 કલાક જાપ શરૂ કર્યા. હિન્દી પણ શીખી લીધું. ગુરુદેવ એમને નવુ નામ તુલસી આપ્યુ. તેઓ મનોચિકિત્સક હતા. તુલસીએ એક રીતે હવે પુર્ણ પણે જૈન બની ગયા. એટલું જ નહીં તેમણે જાપાનમાં જૈન ધર્મનો પ્રચાર શરૂ કર્યો. એમના પ્રતાપે જાપાનમાં 5000 થી વધુ લોકોએ માંસાહારનો ત્યાગ કર્યો છે. છેલ્લા છ વર્ષથી જાપાનમાં નિયમિત સાંજે ગુરુ આરતી થાય છે, તો દર મહિને ગુરુદેવની પુણ્યતિથિ મનાવવામાં આવે છે.
જાપાનમાં ડો.તુલસી નાં નવકાર જાપ આજે પણ દિવસમાં 8 કલાકથી વધુ ચાલે છે. દરરોજ 108 મણકાની એક માળા એવી 108 માળા જાપ કરે છે. અભ્યાસથી સાયકોલોજીસ્ટ ડો. તુલસી ગુરુજીના કહેવા અનુસાર દર્દીને દવા નહિ પણ નવકાર આપે છે. જેનાથી હજારો દર્દી સાજા થયા છે. પેરાલિસિસમાં પણ મંત્રના સારા પરિણામ મળ્યા છે. ડો. તુલસીને જૈનાચાર્યએ કહ્યું કે, દીક્ષા બાદ તમે ભારત નહિ છોડી શકો. ને તમારે જાપાનમાં ધર્મના ઘણા કામ કરવાના છે.